Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રેલીઓ, ધાર્મિક આયોજનો અને કિસાન આંદોલન બન્યા સુપર સ્પ્રેડર

રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનીકલ એડવાઈઝર ગ્રુપનું સ્ટેટમેન્ટ

નવી દિલ્હી, તા. ૧૫ :. રાજકીય રેલીઓ, ધાર્મિક મેળાવડાઓ અને કિસાન આંદોલન કોરોના વાયરસના સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે એવું રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર ગ્રુપના ચેરમેન ડોકટર એન.કે. અરોરાનું કહેવુ છે. ડો. અરોરાનું આ બયાન એવા સમયે આવ્યુ છે જ્યારે બંગાળમાં ચૂંટણી, હરિદ્વારમાં કુંભમેળો અને દિલ્હીની બોર્ડરો પર કિસાન આંદોલન ચાલી રહ્યુ છે. જો કે તેમણે કોઈ ખાસ આયોજનનું નામ નહોતુ લીધું.

તેમણે કહ્યુ કે આપણે જોઈ રહ્યા છીએ કે યુવાવર્ગ વધારે બેદરકાર થઈ ગયો છે. તેઓ નાના નાના ગ્રુપોમાં ભેગા થઈ રહ્યા છે અને પાર્ટીઓ પણ કરે છે. આપણે સામાજીક, ધાર્મિક મેળાવડા, કિસાન આંદોલન અને રાજકીય રેલીઓ પણ જોઈ રહ્યા છીએ. આ બધા કોરોનાના સુપર સ્પ્રેડર છે. જ્યાં સુધી આ બધુ બંધ નહીં થાય, કોઈપણ આપણી મદદ નહીં કરી શકે. આપણે આ બાબતે ગંભીર થવાની જરૂર છે અને છેલ્લે એટલું જ કહીશ કે આ બધુ રાજકીય અને પ્રશાસનના સમર્થનથી થાય છે.

ડોકટર અરોરાએ સ્થાનિક પરિસ્થિતિઓના આધારે લોકડાઉન લગાવવાની જરૂર પર ભાર મુકયો હતો પણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનું સમર્થન નહોતુ કર્યુ. તેમણે કહ્યું કે આપણે ગયા વર્ષે લોકડાઉન લગાવ્યુ હતું. આપણને ખબર છે કે મહામારીને કેવી રીતે રોકવાની છે. આપણે એ પણ જોયું છે કે લોકડાઉનની અસરમાંથી કેવી રીતે બહાર આવવાનું છે.

(12:43 pm IST)