Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દેશના અનેક ભાગોમાં ઓકિસજનની અછતઃ ભાવો આસમાને પહોંચ્યા

ઓકિસજન સિલીન્ડર અને તેના રીફીલીંગના ભાવમાં રાતોરાત વધારો થઈ ગયોઃ મુંબઈમાં સિલીન્ડરના ભાવ ૩ ગણા વધી ગયા : કેટલીક હોસ્પીટલોએ ઓકિસજનના બાટલા મેળવવા કરવો પડે છે સંઘર્ષઃ અમુક હોસ્પીટલો દર્દીઓને જ સિલીન્ડર લાવવાનુ કહે છેઃ ઓકિસજન કંસરડેટરની ડીમાન્ડ પણ વધી-ભાડે પણ લેવાય છે અને વેચાતા પણ લેવાય છે

નવી દિલ્હી, તા. ૧૫ :. વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ઓકિસજન સિલીન્ડરની ડીમાન્ડ પણ વધી ગઈ છે. દેશભરના અનેક વિસ્તારોમાં હોસ્પીટલોમાં ઓકિસજનની અછત સામે આવી રહી છે. લોકો ખુદ જ સંક્રમિત દર્દીઓ માટે પ્રાઈવેટ સીલીન્ડર ખરીદી રહ્યા છે. મુંબઈમાં ઓકિસજનની અનેકગણી માંગ વધવાને કારણે ઝમ્બો ઓકિસજન સિલીન્ડર અને તેની રીફીલીંગના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં સિલીન્ડરના ભાવ ૩ ગણા વધી ગયા છે.

હોસ્પીટલોનું કહેવુ છે કે સપ્લાય ઓછી હોવાની સાથે જ અનેક વેન્ડરોએ ઓકિસજનના ટ્રાન્સપોર્ટેશન અને મજુરી માટે વધારાના ચાર્જ લેવાનું શરૂ કર્યુ છે. ગોરેગાંવ હોસ્પીટલના માલિકના જણાવ્યા પ્રમાણે એક સીંગલ ઝમ્બો ઓકિસજન સિલીન્ડરના રીફીલીંગના ભાવ વધીને ૩ ગણા એટલે કે ૯૦૦ થઈ ગયા છે. કોરોના પહેલા તે ૨૫૦માં મળતા હતા. જે થોડા દિવસ પહેલા ૬૦૦ થયા હતા અને હવે ૯૦૦ થઈ ગયા છે.

તેમણે જણાવ્યુ હતુ કે જ્યાં સુધી પુરવઠો સંપૂર્ણ રીતે બહાલ ન થાય ત્યાં સુધી મને વધારાના પૈસા ચુકવવામાં વાંધો નથી. મલાડ હોસ્પીટલમાં એક દિવસમાં ૧૨૦ સીલીન્ડર રીફીલ કરાય છે, ત્યાંના વડાએ કહ્યુ હતુ કે મારે ૨૦ વધારાના સીલીન્ડર માટે ૬૦,૦૦૦ રૂ. ડીપોઝીટ આપવી પડી હતી. હોસ્પીટલના હેડનું કહેવુ છે કે વેન્ડરે મને કહ્યુ છે કે મારે સિલીન્ડર માટે વધુ પૈસા આપવા પડે છે તેથી હું વધુ લઉ છું.

તેઓએ કહ્યુ હતુ કે કેટલીક હોસ્પીટલોએ સીંગલ ઝમ્બો સીલીન્ડરના રીફીલીંગ માટે ૨૫૦૦ રૂ. પણ આપ્યા છે, જ્યારે નાની હોસ્પીટલોએ રીફીલીંગ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે નવી મુંબઈ મનપા પાસે માત્ર ૨૦ દિવસનો જ ઓકિસજન છે તો યુપીના અનેક જિલ્લાઓમાં ઓકિસજનની અછત જોવા મળી રહી છે. લખનઉમાં પણ આ જ સ્થિતિ છે. લખનઉને ગાઝીયાબાદથી ઓકિસજન મળવાનુ શરૂ થયુ છે.

સામાન્ય દિવસોમાં દિલ્હી એનસીઆરમાં ઉદ્યોગો અને મેડીકલ માટે ૪ થી ૫ ટનની ડીમાન્ડ હોય છે પરંતુ તે વધીને ૮ થી ૧૦ ટન થઈ ગઈ છે. ગુડગાંવમાં ૩ ગણા ભાવ લેવામાં આવી રહ્યા છે.

ઓકિસજન વેચતા લોકોનું કહેવુ છે કે ઘરોમાં ઓકિસજનના સહારે રહેતા દર્દીઓ માટે ઓકિસજન કન્સરડેટર ઘણુ મદદરૂપ થયા છે તે ભાડે પણ મળે છે. ૬ થી ૮ હજાર રૂ. ચુકવવા પડે છે.

મધ્યપ્રદેશમાં દર્દીઓને પોતાની મેળે ઓકિસજન લાવવા જણાવાય છે. ભોપાલમાં ઓકિસજન સિલીન્ડર સાથે લાવો કે બીજી હોસ્પીટલમાં દાખલ થઈ જાવ તેવુ કહેવામાં આવે છે.

ઝારખંડમાં પણ ઓકિસજનની અછત જોવા મળી રહી છે ત્યાં ટાસ્કફોર્સ રચવામાં આવી રહ્યુ છે.

(10:59 am IST)