Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બીજી બેંકોને ૧૧૩૦૦ કરોડ ચુકવવા પીએનબીને આદેશ

ભારતનું સૌથી મોટુ બેંકિંગ કૌભાંડ હોવાનો ખુલાસો : આરબીઆઈએ આદેશ કર્યા બાદ પીએનબીની સામે નવી સમસ્યા : પહેલાથી જ પીએનબીની પાસે ફંડનો અભાવ

નવીદિલ્હી, તા. ૧૫ : અબજોપતિ હિરા કારોબારી નિરવ મોદી દ્વારા અંજામ આપવામાં આવેલા સૌથી મોટા બેંકિંગ કૌભાંડને લઇને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પંજાબ નેશનલ બેંકને કેટલીક સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. આરબીઆઈએ પંજાબ નેશનલ બેંકને કહ્યું છે કે, આ મામલામાં સામેલ બીજી બેંકોને ૧૧૩૦૦ કરોડ રૂપિયાની પૂર્ણ ચુકવણી કરવામાં આવે. આ મામલા સાથે જોડાયેલા બે બેંકર્સ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. આવું નહીં કરવાની સ્થિતિમાં નાણાંકીય બજારમાં અફડાતફડી મચી શકે છે. કારણ કે બેંકિંગ સેક્ટરનો મહત્વપૂર્ણ હિસ્સો વિશ્વાસ ઉપર આધારિત છે. પીએનબીની પાસે ફંડની અછત દેખાઈ રહી છે. સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. દરમિયાન પીએનબીના એમડી સુનિલ મહેતાએ કહ્યું છે કે, ફ્રોડથી પ્રભાવિત તમામ બેંકોની સાથે કરવામાં આવેલા કરારને પૂર્ણ કરવામાં આવશે. આ કેસમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, એક્સિસ બેંકે પીએનબી દ્વારા જારી કરવામાં આવેલા લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગના આધાર પર ક્રેડિટની ઓફર કરી હતી. આ સમગ્ર મામલાની જડમાં લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એલઓયુ સામેલ છે. આ એક પ્રકારની ગેરંટી તરીકે હોય છે જેના આધાર પર બીજી બેંકો ખાતાધારકોને પૈસા ઉપલબ્ધ કરાવે છે. જો ખાતા ધારક ડિફોલ્ટ કરી જાય છે તો એલઓયુ ઉપલબ્ધ કરાવનાર બેંકની જવાબદારી બને છે કે, સંબંધિત બેંકને ચુકવણી કરવામાં આવે. આ મુદ્દા પર ચર્ચા દરમિયાન બેઠકમાં ઉપસ્થિત રહેલા બેંકરે કહ્યું છે કે, આરબીઆઈએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પીએનબી ઉપર સાથી બેંકોને ચુકવણી કરવાની જવાબદારી છે. પીએનબી ચુકવણી કરશે નહીં તો પીએનબીની સાથે અન્ય ૩૦ બેંકોેને પણ મોટું નુકસાન થશે. જો પીએનબી બીજી બેંકોને ચુકવણી કરે છે તો માત્ર બેલેન્સસીટને અસર થશે. જ્યારે બીજી બેંકોને કોઇ નવી અસર થશે નહીં. બેંકરોને આશંકા છે કે, પીએનબીને ચુકવણી કરવામાં વિલંબ થશે તો નાણામંત્રાલયને દરમિયાનગીરી કરવાની રહેશે. ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ તરીકે આને ગણળામાં આવે છે. બેંકના કર્મચારીઓએ નિરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ માટે ખોટીરીતે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જારી કર્યા હતા. પીએનબીએ એલઓયુ આપતા ૩૦ બેંકોએ બિલમાં છુટછાટ આપી હતી. આ કૌભાંડ ૨૦૧૦થી મુંબઈના બ્રેડીહાઉસ બ્રાંચમાં ચાલી રહ્યું હતું પરંતુ મામલો  આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સપાટ ઉપર આવ્યો છે. નિરવ મોદી સામે મામલો સપાટી ઉપર આવ્યા બાદ આગામી દિવસોમાં પણ આને લઇને જોરદાર હોબાળો રહે તેવી શક્યતા છે. નિરવ મોદીના મામલામાં મોદી સરકારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(7:39 pm IST)