Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

નિરવ મોદીને ભગાડવામાં ભાજપ સામેલ? રાહુલ - કેજરીવાલ મેદાને

ભાજપ કહે છે ૨૦૧૧માં કૌભાંડ થયેલ, ત્યારે અમારી સરકાર નહોતી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કમાં થયેલા ૧૧,૫૦૦ કરોડ રૂપિયાના કૌભાંડને લઇને વિપક્ષે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કેન્દ્રની મોદી સરકારને દ્યેરવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે,આ કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીએ દાવોસમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ રાહુલે લખ્યું કે, વડાપ્રધાન મોદી સાથે દેખાયો અને પછી લોકોના પૈસા લઇને માલ્યાની જેમ ફરાર થઇ જાઓ.

 કોગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ પણ કૌભાડને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેને મોદી સ્કેમ ગણાવ્યું હતું. સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું એ નિયમ બની ગયો છે કે લોકોના પૈસા લઇને લોકોને ભગાડવામાં મદદ કરવામાં આવશે? કોણ દોષિત છે?

આ કૌભાંડ પર નાણામંત્રી અરુણ જેટલીએ બોલવાનું ટાળ્યું હતું. પરંતુ કેન્દ્રિય મંત્રી ચૌધરી વીરેન્દ્રસિંહે કહ્યું હતું કે, પીએનબીનું કૌભાંડ ખૂબ મોટું છે. તપાસ થવી જોઇએ અને કાર્યવાહી કરવી જોઇએ. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એક ટ્વિટને રિટ્વિટ કરી જણાવ્યું હતું કે, શું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે નીરવ મોદી અથવા વિજય માલ્યા બીજેપી સરકારની મદદ વિના દેશ છોડવામાં સફળ થયા હોય?

જોકે, વિપક્ષના સવાલ પર બીજેપીએ કહ્યું હતું કે, આ કૌભાંડ ૨૦૧૧માં થયું હતુ. તે સમયે અમારી સરકાર નહોતી.

(5:00 pm IST)