Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

એક રેસ્ટોરાં એવી જેમાં વ્યંઢળો ભોજન બનાવે છે અને જમાડે પણ છે

નવી મુંબઇના પામ બીચ રોડ પર આવેલી થર્ડ આઇ કેફેનું પાંચ વ્યંઢળોને અપોઇન્ટ કરવાનું ક્રાંતિકારી પગલું

મુંબઇ તા. ૧૫ : નવી મુંબઈના પામ બીચ રોડ પર આવેલી થર્ડ આઇ કેફે રેસ્ટોરાંમાં વ્યંડળો હોટેલમાં આવતા કસ્ટમરોને કોફી અને ખાવાનું પીરસવાનું કામ કરી રહ્યા છે. આ હોટેલમાં કામ કરી રહેલા ૨૦ કર્મચારીઓમાંથી પાંચ કર્મચારી વ્યંડળ છે જે હોટેલમાં આવતા ઘરાકોને તેમની સર્વિસ આપી રહ્યા છે. આ રેસ્ટોરાંના યુવાન માલિકોએ આધુનિક યુગમાં વ્યંડળોને નોકરી આપીને તેમને એક સ્ટેટસ આપીને ક્રાન્તિના યુગમાં પ્રવેશ કર્યો છે.

થર્ડ આઇ કેફે રેસ્ટોરાં દોઢ મહિના પહેલાં નિમેષ શેટ્ટી અને તેના બે મિત્રો નીતેશ કંડારકર અને પ્રસાદ શેટ્ટીએ સાથે મળીને શરૂ કરી હતી. તેમને સમાજને એક નવી દિશામાં લઈ જવાનો આઇડિયા આવ્યો અને તેમણે તેમની નવી રેસ્ટોરાંમાં મેનેજર, કુક, વેઇટરો અને અન્ય કામકાજ માટે પાંચ વ્યંડળોને અપોઇન્ટ કર્યા છે. આ બાબતની માહિતી આપતાં નિમેષ શેટ્ટીએ કહ્યું હતું કે 'વ્યંડળોને નોકરી આપવા પાછળ અમારો એક જ ઉદ્દેશ છે કે આપણા દેશમાં વ્યંડળોના સમાજને અછૂત ન ગણતાં તેમને માનભેર આવકારવામાં આવે. અમે જયારે વ્યંડળોને નોકરી આપવાનો પ્લાન બનાવ્યો અને તેમને નોકરીએ રાખ્યા ત્યારે અમે હાંસીને પાત્ર બન્યા હતા. જોકે અમે દુનિયાની પરવા કર્યા વગર અમારા ઉદ્દેશને વળગી રહીને આજે વ્યંડળોની સર્વિસ લઈ રહ્યા છીએ. અમારા ઘરાકો પણ તેમને આવકાર આપે છે, જેને લીધે વ્યંડળોનો પણ કામ કરવાનો ઉત્સાહ વધી રહ્યો છે.'

હું જયારે આર્કિટેકટચરનો અભ્યાસ કરતો હતો ત્યારે મારી નજર વ્યંડળોનીની બદતર હાલત પર પડી હતી એમ જણાવતાં નિમેષ શેટ્ટીએ કહ્યું હતું કે 'મને આ સમાજ માટે કંઈક કરવાની ઉત્કંઠા જાગી હતી. મારા એ સામાજિક સધ્કાર્યના વિચારને લીધે હું વ્યંડળો માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થાને મળ્યો હતો. એ સંસ્થાની નેતા ગૌરી સાવંતે મને મારા ઉદ્દેશમાં સફળતા અપાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. મારો ઉદ્દેશ એક જ હતો કે વ્યંડળોને હું સ્વમાનભેર જીવવાનો દરજ્જો આપી શકું. મારા પિતા હોટેલ-ઇન્ડસ્ટ્રીમાં હોવાથી મને હોટેલ ખોલવામાં કોઈ જ સમસ્યા નડી નહોતી.'

અમારી છાતી આજે ગજગજ ફૂલી રહી છે એમ જણાવતાં થર્ડ આઇ કેફે રેસ્ટોરાંમાં કાર્યરત વ્યંડળોમાંથી સોનાલી મુંડેએ કહ્યું હતું કે 'અમારા માટે આ એક નવો અનુભવ છે. અત્યાર સુધી અમે લોકોને વધાઈ દેવાનાં, ઘરે-ઘરે કે દુકાને-દુકાને જઈને તાળી વગાડીને ભીખ માગવાનાં કામ કરતા આવ્યા છીએ. આપણા દેશમાં સમાજનો અમુક વર્ગ અમને દેવીના રૂપ તરીકે પૂજે છે તો બહોળો વર્ગ અમને ધુતકારે છે. લોકો અમારાથી ડરે છે; તેમનાં બાળકોને ડરાવે છે, પરંતુ આ રેસ્ટોરાંના માલિકે અમને એક નવો માર્ગ ચીંધ્યો છે. તેમણે અમારા ડ્રેસિંગથી લઈને અમારા વર્તનમાં પરિવર્તન લાવી દીધું છે. ઘરાકો પણ અમારી સર્વિસ પ્રેમપૂર્વક લઈ રહ્યા છે. અમને એવો દરજ્જો આપ્યો જેની અમે કયારે કલ્પના પણ નહોતી કરી.'(૨૧.૧૨)

(11:25 am IST)