News of Wednesday, 14th February 2018

કેજરીવાલ સરકારના ૩ વર્ષ : ૭૦ વર્ષનું કામ ત્રણ વર્ષમાં થયું

સરકારની સિદ્ધિઓનો કેજરીવાલે ઉલ્લેખ કર્યો : સસ્તી વિજળી, ખેડૂતો માટે વધેલા વળતરની રકમ અપાઈ

નવીદિલ્હી,તા. ૧૪ : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે સત્તાના ત્રણ વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી કેજરીવાલે આજે પોતાની સરકારની સફળતાઓને ગણાવી હતી. આરોગ્યના ક્ષેત્રમાં પોતાની સરકારની સફળતાઓનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં જે કામ ૭૦ વર્ષથી થયું નથી તે કામ તેમની સરકારે માત્ર ત્રણ વર્ષમાં કર્યું છે. તેઓએ આરોગ્યના ક્ષેત્રમાં સરકારે કરેલી કામગીરી ઉપરાંત સરકારી સ્કૂલોમાં શિક્ષણના ક્ષેત્રમાં સુધારા અને વાજબી ભાવે વિજળી અને ખેડૂતો માટે વધેલા વળતરની વાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ૧૬૪ મોહલ્લા ક્લિનીક બનીને તૈયાર થઇ ચુક્યા છે. ૭૮૬ મોહલ્લા ક્લિનીક બન રહ્યા છે. આવી જ રીતે થોડાક મહિનામાં ૯૫૦ મોહલ્લા ક્લિનીક બની જશે. ૭૦ વર્ષમાં દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ૧૦ હજાર બેડ હતા. આ વર્ષના અંત સુધી ૩૦૦૦ બેડ બીજા તૈયાર થઇ જશે. આગામી વર્ષ સુધ ૨૫૦૦ બેડ તૈયાર થશે. કેટલાક બેડની ક્ષમતામાં ૩૦ ટકાનો વધારો થયો છે. અમે ચાર વર્ષમાં છેલ્લા ૭૦ વર્ષની સરખામણીમાં ૫૦ ટકા બેડ વધારી દઇશું. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી દેશનું એવું પ્રથમ રાજ્ય છે જ્યાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે. તપાસ અને સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં ખુબ મોટાપાયે ભીડ જોવા મળે છે જેથી સરકારે પોતાના ખર્ચ ઉપર ખાનગી હોસ્પિટલોમાં તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેજરીવાલે કહ્યું હતું કે, લોકોને દિલ્હીની ૬૭ પ્રાઇવેટ લેબમાં ચકાસણી માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આનો પૂર્ણ ખર્ચો સરકાર ઉપાડી રહી છે. જો કોઇ દર્દીની કોઇ સરકારી હોસ્પિટલમાં એક મહિનાની અંદર સારવાર થતી નથી તો સરકારની લિસ્ટમાં રહેલી ૪૪ ખાનગી હોસ્પિટલ પૈકી કોઇ એક હોસ્પિટલમાં સર્જરી થઇ શકે છે. આમા ખર્ચ સરકાર ઉપાડશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમના ત્રણ વર્ષના શાસનકાળમાં સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં ૩૪ ટકાનો વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓપીડીની સંખ્યા ત્રણ કરોડથી વધારીને ચાર કરોડ કરી દેવામાં આવી છે. કેજરીવાલે ઉમેર્યું હતું કે, દિલ્હી સરકારે માર્ગ દુર્ઘટનાઓમાં ઘાયલ લોકોને મફત સારવારની સુવિધા આપવાની શરૂઆત કરી છે. જો કોઇ જગ્યાએ દુર્ઘટના થાય છે તો લોકોને મદદ કરવા આગળ આવવા પ્રોત્સાહન અપાયું છે. કેજરીવાલે ત્રણ વર્ષમાં વિજળીની વાત કરતા કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા દિલ્હીના લોકોએ એક ઇમાનદાર સરકાર બનાવી હતી.

હવે એક એક પૈસા જનતાના વિકાસ ઉપર ખર્ચ થઇ રહ્યા છે. વિજળી, પાણી, સ્કૂલ, મોહલ્લા ક્લિનીક, ફ્લાયઓવર્સ ઉપર રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિજળીના બિલમાં એક પૈસાનો પણ વધારો થયો નથી.

(8:08 pm IST)
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST