Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

હાઈપ્રોફાઇલ કેસમાં જુનિયર જજ દ્વારા ચુકાદા અપાયા.....

૧૫થી વધુ હાઈપ્રોફાઇલ મામલાઓમાં ચુકાદા

        નવીદિલ્હી, તા. ૧૫ : દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના વલણ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. ચાર સિનિયર જજો આક્ષેપ કરી ચુક્યા છે કે, ચીફ જસ્ટિસ મહત્વપૂર્ણ કેસો વરિષ્ઠતાના આધારે નહીં બલ્કે પોતાની પસંદગીના આધારે જુનિયર જજને સોંપી રહ્યા છે. જુનિયર જજ દ્વારા અનેક મહત્વપૂર્ણ કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. ચુકાદા પણ અપાયા છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાષ્ટ્રીય મહત્વના સૌથી સંવેદનશીલ કેસો પૈકી ૧૫થી વધુ કેસો સીજેઆઈ દ્વારા ટોપ ફોર કરતા જુનિયર જજોને જવાબદારી સોંપાઈ હતી. તે નીચે મુજબ છે.

*            રાજીવ ગાંધી હત્યા કેસ ૧૯૯૮માં નલિની અને અન્યોએ તેમને અપરાધી ઠેરાવવાના ચુકાદાને પડકાર ફેંક્યો હતો જેમાં જસ્ટિસ કેટી થોમસના નેતૃત્વમાં બેંચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી તે વખતે કેટી થોમસ સૌથી જુનિયર પૈકીના એક હતા.

*            બોફોર્સ કેસ ૧૯૯૯માં હિન્દુજા બંધુઓએ જામીનની માંગ કરી હતી. આ મામલો જસ્ટિસ એમબી શાહ પાસે પહોંચ્યો હતો.

*            બેસ્ટ બેકરી કેસ ૨૦૦૪માં જસ્ટિસ પાસાયત પાસે મામલો પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન ભારે હોબાળો થયો હતો. સુનાવણી કોર્ટ નં. ૧૧માં થઇ હતી. બેંચનું નેતૃત્વ જસ્ટિસ અરિજીત પાસાયત કરી રહ્યા હતા. પાસાયત તે વખતે સુપ્રીમ કોર્ટના જુનિયર જજ પૈકીના હતા

*            સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત મામલો કોર્ટ નં. ૯માં સુનાવણી માટે પહોંચ્યો હતો. એત વખતે ચીફ જસ્ટિસે કેસને કોર્ટ નં. ૯ પાસે મોકલ્યો હતો જે તે વખતે બેંચનું નેતૃત્વ એકે પટનાયક દ્વારા કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એ વખતે પટનાયક જુનિયર જજ હતા

*            સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ ૨૦૦૭માં કોર્ટનં. ૧૧માં જસ્ટિસ તરુણ ચેટર્જીએ સુનાવણી હાથ ધરી હતી. અમિત શાહ અને ગુજરાત પોલીસ માટે આ મહત્વપૂર્ણ કેસ હતો. જસ્ટિસ તરુણ ચેટર્જીએ સુનાવણી ચલાવી હતી તે વખતે તરુણ ચેટર્જી સૌથી જુનિયર જજ પૈકીના હતા. ચેટર્જીના આદેશ બાદ ગુજરાતમાં ભાજપ અને તેના નેતૃત્વ માટે સમસ્યા સર્જાઈ હતી

*            સ્પેક્ટ્રમ કેસ ૨૦૧૦માં સુનાવણી જસ્ટિસ સિંઘવી દ્વારા હાથ ધરાઈ હતી.

*            એલજીબીટી કેસ ૨૦૧૦માં સુનાવણી જસ્ટિસ સીએસ સિંઘવીની કોર્ટ નં. ૧૧માં હાથ ધરાઈ હતી

*            લાલકૃષ્ણ અડવાણી સામે બાબરી કેસમાં આરોપો પડતા મુકવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈ અરજી કોર્ટ નં. ૮માં સિરપુરકર પાસે પહોંચી હતી. મોડેથી આ મામલો એચએલ દત્તુ, એમવાય ઇકબાલ પાસે પહોંચ્યો હતો

*            આધાર વેલિડીટી કેસ ૨૦૧૨માં કોર્ટ નં.૫માં બીએસ ચૌહાણ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી

*            કોલસા કૌભાંડ ૨૦૧૨માં કોર્ટ નં. ૭માં જસ્ટિસ આરએમ લોધા સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી

*            બીસીસીઆઈ કેસ ૨૦૧૩માં કોર્ટ નં. ૬માં જસ્ટિસ એકે પટનાયક સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી

(8:00 pm IST)