Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાજપે રાજયો માટે પ્રભારી-સહપ્રભારીનાં નામની યાદી જાહેર કરી

ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રભારી બનાવાયાઃ સુધીર ગુપ્તાને ગુજરાતના સહપ્રભારી બનાવાયાઃ ભારતીબહેન શિયાળને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયાઃ ભાવનગરના સાંસદ છે ભારતીબહેન શિયાળ

નવી દિલ્હી,તા.૧૪: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય નોંધાવ્યા બાદ ભાજપે નવા મિશન માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ગઇ કાલે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજયનાં પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં અલગ અલગ રાજયોમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. નવી યાદીમાં કૈલાસ વિજયવર્ગીયને પશ્યિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં પ્રભારી બનાવાયા છે, તો સુધીર ગુપ્તાને ગુજરાતનાં સહપ્રભારી બનાવાયા છે.

ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત અને બિહારનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની આગેવાની હેઠળનાં ગુજરાત અને બિહાર બંને રાજયોમાં પાર્ટીની ઉત્કૃષ્ટ જીત બદલ તેમને ફરીથી ઈનામ મળ્યુ છે. ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દિવાળીની પૂર્વસંધ્યાએ જાહેર કરેલા નવા રાજય પ્રભારી અને ભાજપનાં સહ પ્રભારીની યાદીમાં ભૂપેન્દ્ર યાદવને ફરી એકવાર ગુજરાત અને બિહાર બંને રાજયોનો હવાલો સોંપ્યો છે. મધ્યપ્રદેશનાં સાંસદ સુધીર ગુપ્તાની ગુજરાતનાં સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુપ્તા મંદસૌરનાં સાંસદ છે. તેમણે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૪ માં બંને ચૂંટણી જીતી છે.

પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અન્યની જવાબદારી સોંપી છે. તરુણ ચૂગ તેલંગાણા જયારે પક્ષનાં રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાને મણિપુરનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સંદર્ભે, બીજેપીએ અન્ય કેટલાક પક્ષનાં પ્રભારીઓનાં નામની સૂચિ બહાર પાડી છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં પ્રભારી બનાવાયા છે. સુધીર ગુપ્તાને ગુજરાતનાં સહપ્રભારી બનાવાયા છે. વળી ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળને રાજસ્થાનનાં સહપ્રભારી બનાવાયા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર યાદવનાં પ્રભારી રહેતા ભાજપે સારૂ પ્રદર્શન કર્યુ હતું. તેમને બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત પેટા ચૂંટણીમાં પાર્ટીનાં સારા પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે. પાર્ટીને ૭૪ બેઠક પર જીત મળી છે. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી. આઠ બેઠક પર ભાજપે કબજો કર્યો હતો.

(9:47 am IST)