Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિશ્વમાં કોરોનાની વેકસિન પહોંચતા ૪-૫ વર્ષ લાગશે

કોરોનાની વેક્સિન અંગે માઠા સમાચાર : સીરમના સીઈઓ આદર પૂનાવાલાના અભિપ્રાયે એક વ્યક્તિને રસીના બે ડોઝ અપાય તો પણ ૧૫ અબજ ડોઝની જરૂર

પૂણે, તા. ૧૪ : કોરોનાની રસીને લઈ ક્યારની અવઢવ ચાલી રહી છે. રોજ નવા નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો એક તરફ લોકોમાં પણ ફફડાટ છે કે આખરે સામાન્ય જનતાના હાથમાં આ રસી ક્યારે આવશે. તો આ બધા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ)ના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું છે કે ૨૦૨૪ પહેલા કોવિડ -૧૯ રસી વિશ્વના તમામ લોકોને ઉપલબ્ધ નહીં થાય. વિશ્વની સમગ્ર વસતીને કોરોના વાયરસ રસી આપવા માટે ફાર્મા કંપનીઓ ઝડપથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો નથી કરી રહી.

            તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વની દરેક વ્યક્તિને કોરોના રસી ઉપલબ્ધ કરવામાં ઓછામાં ઓછા ૪-૫ વર્ષનો સમય લાગશે. પુનાવાલાએ અનુમાનના આધારે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને કોરોના વાયરસની રસીના બે ડોઝ આપવામાં આવે તો તેનો અર્થ એ કે ઓછામાં ઓછા ૧૫ અબજ ડોઝ જેટલી રસી તૈયાર કરવી પડે. આવી સ્થિતિમાં કોવિડ -૧૯ રસી માટે કોઈએ પહેલ કરવાની જરૂર પડશે. જેવી રીતે ઓરીની રસી માટે કરવામાં આવી હતી. તેમણે ભારતમાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસી વિતરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, અહીં કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ખરાબ હાલતમાં છે. આવી સ્થિતિમાં ૧.૪ અબજ લોકો સુધી સુરક્ષિત રીતે પહોંચવું એ એક મોટો પડકાર હશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ એક પારિવારીક કારોબાર છે. દુનિયાની પાંચ કંપનીઓ સાથે એનો કરાર છે. એમાં એસ્ટ્રાજેનેકા અને નોવાવૈક્સ પણ સામેલ છે. સીરમે આ બધા સાથે મળીને ૧ અબજ ડોઝ બનાવવાનો અને ૫૦ ટકા ભારતમાં આપવાનો વાયદો કર્યો છે. આ કંપની રશિયાની ગામેલિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે મળીને કરાર પણ કરી શકે છે. કે જેથી સ્પૂતનિક રસીનું પ્રોડક્શન પણ શરુ થઈ શકે. કોરોનાની રસીના ઉત્પાદન અને વિતરણ અંગે પૂનાવાલાનું નિવેદન મહત્વપૂર્ણ છે કારણ કે વિકાસશીલ દેશોમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ પાસે મોટાભાગની રસીના ઉત્પાદનનો હિસ્સો છે. પૂનાવાલાએ કહ્યું કે, "ઉત્પાદનની બાબતમાં વિશ્વ આ મામલે સારા સમાચાર ઇચ્છે છે પરંતુ મને લાગે છે કે તેને હાંસલ કરવો શક્ય નથી. એસ્ટ્રાઝેનેકા સાથેના સોદા હેઠળ સીરમ સંસ્થા ૬૮ દેશો માટે અને નોવાવેક્સ સાથે મળીને ૯૨ દેશો માટે રસી વિકસાવી રહી છે. આદર પુનાવાલા એ સાઈરસ પુનાવાલાના પુત્ર છે કે જે ભારતના સૌથી સાતમા ધનિક માણસ પણ છે. આદર પુનાવાલાએ કહ્યું કે ગયા અઠવાડિયે ટ્રાયલ દરમિયાન એક માણસ બિમાર હોવાના કારણે એસ્ટાઝેનેકા દ્વારા ટ્રાયલ રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી આ ટ્રાયલ શરુ કરવામાં આવશે.

(9:57 pm IST)