Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

અમેરિકા હવે ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ કરાવીને જ માનશે ! : સાંસદોને તાઈવાન મોકલ્યા

નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને હજુ બે સપ્તાહ પણ નહોતું વીત્યું કે યુએસના ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ હવે તાઈવાન પહોંચી ગયું

નવી દિલ્લી તા.14 : અમેરિકા જાણે હવે ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ કરાવવાનાં ઈરાદે ચીનને ઉશ્કેરતો હોય તેવું લાગી રહ્યું છે. નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને હજુ બે સપ્તાહ પણ નહોતું વીત્યું કે યુએસના ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ હવે તાઈવાનની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યું છે.

તાઈવાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ચીને 12 દિવસ પહેલા નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતની આકરી ટીકા કરી હતી.

પેલોસીની મુલાકાત બાદ ચીને તાઈવાનની સરહદ પર મોટા પાયે દાવપેચ હાથ ધર્યા હતા. ચીની સેનાએ તાઈવાનના વિસ્તારમાં કવાયત તરીકે અનેક મિસાઈલો પણ છોડી હતી અને યુદ્ધનું વાતાવરણ સર્જ્યું હતું.

એવું માનવામાં આવતું હતું કે ચીન હવે હુમલો કરશે, પરંતુ તાઈવાન પરના આ સંકટનું વાતાવરણ ટળી ગયું હતું, પરંતુ ચીનનો ગુસ્સો બરાબર ઠંડો થયો ન હતો કે હવે અમેરિકનોની તાઈવાનની વધુ એક મુલાકાતથી ચીન પરેશાન થવાની તૈયારીમાં છે. તાઈવાને રવિવારે કહ્યું કે તાઈવાન સ્ટ્રેટમાં 22 ચીની ફાઈટર જેટ અને છ નૌકા જહાજો મળી આવ્યા છે. ચીન હજુ પણ સૈન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.

પેલોસીની મુલાકાતના જવાબમાં ચીને તાઈવાનના સમુદ્ર અને એરસ્પેસની આસપાસ મિસાઈલ છોડી અને યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ મોકલ્યા. તાઈવાનમાં અમેરિકન સંસ્થાએ જણાવ્યું હતું કે મેસેચ્યુસેટ્સના ડેમોક્રેટિક ધારાસભ્ય એડ માર્કેટના નેતૃત્વમાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ એશિયાના પ્રવાસના ભાગરૂપે રવિવાર અને સોમવારે તાઈવાનમાં છે. પ્રતિનિધિમંડળના સભ્યો યુએસ-તાઈવાન સંબંધો, પ્રાદેશિક સુરક્ષા, વેપાર, રોકાણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા વરિષ્ઠ નેતાઓને મળશે. તાઈવાનના એક પ્રસારણકર્તાએ તાઈવાનની રાજધાની તાઈપેઈના સોંગશાન એરપોર્ટ પર સાંજે 7 વાગ્યાની આસપાસ અમેરિકી સરકારના વિમાનના ઉતરાણનો વીડિયો જાહેર કર્યો છે.

ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે અને અન્ય દેશો સાથેના કોઈપણ સંપર્ક સામે સખત વિરોધ કરે છે. પેલોસીની મુલાકાત દરમિયાન, ચીને તો ત્યાં સુધી કહ્યું કે પેલોસીની મુલાકાત પછી જે પરિસ્થિતિ ઊભી થશે તેની 'અમેરિકાને કિંમત ચૂકવવી પડશે'. તાઈવાનથી પરત ફર્યા બાદ ચીને યુદ્ધનો માહોલ સર્જ્યો હતો પરંતુ હજુ સુધી હુમલો કર્યો નથી. કવાયત દરમિયાન ચીને માત્ર તાઈવાનમાં જ નહીં, જાપાનમાં પણ દાખલો બેસાડ્યો છે, જેના પછી જાપાન પણ એલર્ટ છે.

 

(10:15 pm IST)