Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાંચીના શિવમંદિરમાં ૧૯૪૭માં આઝાદી મળી ત્યારથી ૧૫ મી ઓગસ્ટે લહેરાય છે રાષ્ટ્રધ્વજ

ભગવાન શીવનું આ પ્રાચીનતમ મંદિર ધાર્મિક આસ્થાની સાથે દેશભકિતના નારાથી પણ ગુંજી ઉઠે છે.

રાંચી :૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી આ બે રાષ્ટ્રીય પર્વમાં સરકારી ઇમારતો, શાળા,કોલેજ જેવા જાહેર સ્થળોએ તિરંગો શાનથી લહેરાતો હોય છે પરંતુ ઝારખંડના રાચીમાં આવેલું એક માત્ર મંદિર કે જયાં સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવામાં આવે છે. ભગવાન શીવનું આ પ્રાચીનતમ મંદિર ધાર્મિક આસ્થાની સાથે દેશભકિતના નારાથી પણ ગુંજી ઉઠે છે. ભારતનું એક માત્ર મંદિર જયાં તિરંગો ફરકાવવાની પરંપરા આજકાલની નહી ભારતને આઝાદી મળી ત્યારથી છે. પ્રથમ વાર ૧૫ ઓગસ્ટ ૧૮૪૭ના રોજ મંદિર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અંગ્રેજોનું રાજ હતું ત્યારે દેશભકતો અને ક્રાંતિકારીઓને આસપાસના સ્થળે ફાંસી આપવામાં આવતી હતી જે ટિરીબુરુ તરીકે ઓળખાતું હતું. ફાંસી આપ્યા પછી મૃતદેહને હરમૂ નદી લાવવામાં આવતો હતો.

   આઝાદી પછી રાંચીના આ પહાડી મંદિર પર પ્રથમવાર તિરંગો સ્વાતંત્ર સેનાની કૃષ્ણચંદ્ર દાસે ફરકાવ્યો હતો.ત્યારથી તિરંગો ફરકાવવાની આ પરંપરા આજ સુધી તૂટી નથી. પાંચ વર્ષ પહેલા આ પહાડી મંદિર પર ૪૯૩ ફૂટ ઉંચા ફલેગ પોલ સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેના પર ખાસ કિસ્સામાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ દિને ૩૦.૧૭ મીટર લાંબો અવે ૨૦.૧૨ મીટર પહોળો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.તત્કાલિન રક્ષામંત્રી મનોહર પર્રિકર દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ શિવ મંદિર સમુદ્રની સપાટીથી ૨૧૪૦ મીટરની ઉંચાઇ પર છે.મંદિરમાં જવા માટે સીધા ઢોળાવવાળા ૩૦૦ જેટલા પગથિયા ચડવા પડે છે.આ મંદિર પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો અદભૂત નજારો દેખાય છે.આ મંદિરમાં એક શિલાલેખ જોવા મળે છે જેમાં ૧૪ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી હોવાનો ઉલ્લેખ છે.

(11:50 pm IST)