Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દેશમાં પહેલીવાર 15 રાજયોના અંદાજે 2500 ગામડાઓમાં મહિલાઓ ધ્વજવંદન ફરકાવશે

75 વર્ષ પુરા થાય તે પહેલાં બંધારણ અને આઝાદીના અપમાન સમાન મનુનું પૂતળું હટાવવાની માંગ

અમદાવાદ :દેશની આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા નિમિતે દેશભરમાં અમૃત મહોત્સવનું આખું વર્ષ ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે આઝાદીને 75 વર્ષ પુરા થાય તે પહેલાં બંધારણ અને આઝાદીના અપમાન સમાન મનુનું પૂતળું હટાવવાની માંગ સાથે દેશના વિવિધ દલિત સંગઠનો દ્વારા પણ દેશના જુદા જુદા રાજયોમાં આજે 14મી ઓગસ્ટની રાત્રે બંધારણના આમુખનો સન્માન સમારંભ તથા 15મી ઓગસ્ટના રોજ સવારે ધ્વજવંદન ફરકાવવાનો કાર્યક્રમ રાખ્યો છે.

બંધારણે આપેલા સમાનતાના હક્કના ભાગરૂપે આવતીકાલે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સહિત દેશના 14થી 15 રાજયોના અંદાજે 2500 ગામડાંઓમાં મહિલાઓ ધ્વજવંદન ફરકાવશે. નવસર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિનભાઈ મેકવાનના વડપણ અને માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટના પ્રાંગણમાં રહેલા મનુના પુતળાના વિરોધમાં આ કાર્યક્રમો યોજાવાના છે

 

નવસર્જન ટ્રસ્ટના નિયામક માર્ટિન મેકવાને જણાવ્યું કે, ભારત દેશ એ બંધારણ મુજબ ચાલે છે, બંધારણને સમજવાની ચાવી આમુખ છે, જેમાં લોકોની આશા અને આકાંક્ષાઓ વ્યક્ત કરાઈ છે, બંધારણ કેવું હશે અને તેમાં લોકોને કેવાં હક અને અધિકારોની ખાત્રી તેમજ માનવ ગૌરવ, બંધુતા વિક્સવાની ભાવના વ્યક્ત કરાઈ છે. બંધારણના આમુખનો ગુજરાત રાજ્યના એક હજાર ગામો સહીત દેશના 12 રાજ્યોના ગામો મળીને અંદાજે 2500 ગામોમાં બંધારણના આમુખનું સન્માન અને વાંચનનો કાર્યક્રમ 14 ઓગસ્ટ 2021ના રોજ રાત્રે રાખવામાં આવ્યો છે.

ગામમાં જાહેર જગ્યામાં લોકોની હાજરી વચ્ચે જાહેર કાર્યક્રમમાં આમુખનું ફુલહારથી સન્માન અને આમુખનું જાહેરમાં લોકો વચ્ચે વાંચન કરવામાં આવશે તેમજ આ સમયે બંધારણીય જોગવાઈઓની ચર્ચા, બંધારણીય જોગવાઈઓની માહિતી પણ આપી લોકોમાં અને ખાસ બાળકોમાં બંધારણનો પ્રસાર અને પ્રચાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટ, દલિત શક્તિ કેન્દ્ર સહિત વિવિધ સંગઠનો જોડાયેલા છે.

 

તેમણે વધુમાં જણાવ્યું કે, 15 ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સૌથી વધારે ભણેલા બહેનોના હાથે ગુજરાતના 14થી 15 જિલ્લાઓ જેમાં અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, રાજપીપળા, ભાવનગર, બોટાદ વગેરે જિલ્લાઓના 996 ગામો સહીત દેશના ઉત્તરાખંડથી તામિલનાડુ સુધીના 12 રાજ્યોના ગામોમાં સ્વતંત્રતા દિવસે સવારે 8, વાગે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીની ઉજવણી કરાશે.

મહિલાઓની સમાનતાની વાતો વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આના માટેના મહત્તમ રાષ્ટ્રધ્વજ દલિત શક્તિ કેન્દ્ર, સાણંદમાં બન્યા હતા. બાકી અન્ય લોકોએ ખાદી ભંડારોમાંથી ખરીદ્યા છે. આમ તો ગયા વર્ષે જ રાષ્ટ્રધ્વજ બનાવ્યા હતા. જો કે ગત વર્ષે કોરોનાના કારણે કાર્યક્રમ યોજી શક્યા ન હતા.

માર્ટીન મેકવાને વધુમાં જણાવ્યું છે કે, દેશમાં બંધારણ એ જ ભારત દેશનો સર્વોચ્ચ ગ્રંથ છે. મનુનું પુતળું આઝાદી તથા બંધારણના અપમાન સમાન હોવાથી મનુનું પૂતળું હટાવવાની માંગ સાથે દેશના અલગ અલગ રાજયોની ત્રણ મહિલાઓ 15મી ઓગસ્ટે જયપુર પહોંચશે. ત્યાં ત્રણ કલાક ધરણાં કરીને મનુના પુતળાંને કપડાંથી ઢાંકવાનો પ્રયાસ કરશે. જો પ્રશાસન નહીં કરવા દે તો તેમને આ કપડું આપીને ઢાંકવાનું કહેવામાં આવશે. કેમ કે પુતળું હટાવવા સામે હાઇકોર્ટનો મનાઇહુક્મ છે તેને ઢાંકવા સામે નથી.

આઝાદ દેશમાં ડો. બાબાસાહેબના વડપણ હેઠળ રચાયેલ ડ્રાફટિંગ સમિતિ દ્વારા ત્રણ વર્ષ 11 મહિના અને 18 દિવસની રાત દિવસની સખત મહેનતથી ઘડાયેલ બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં સ્વીકારવામાં આવ્યું હતું. જે બંધારણ દેશભરમાં 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો, લોકોના હાથમા સત્તાની ચાવી આવી, લોકશાહીની શરૂઆત થઇ હતી.

(9:09 pm IST)