Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઉદ્યોગપતિ વિજય માલ્યાની કિંગફિશરના હેડક્વાર્ટરની હરાજી થઈ

બેન્કોના હજારો કરોડ ડૂબાડીને ઉદ્યોગપતિ વિદેશ ફરાર : એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા બાવન કરોડમાં ખરીદાયું

નવી દિલ્હી, તા.૧૪ : બેક્નોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની કિંગફિશરનુ હેડક્વાર્ટર આખરે વેચાઈ ગયુ છે.

હૈદ્રાબાદની એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા તેને ૫૨ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યુ છે. પહેલા પણ વિજય માલ્યાના લેણદારોએ પ્રોપર્ટી વેચવાની કોશિશ કરી હતી પણ તેની રિઝર્વ પ્રાઈસ એટલી ઉંચી રાખવામાં આવી હતી કે, ડીલ થઈ રહી નહોતી.

પહેલા કિંગફિશર હાઉસની હરાજી કરવાના આઠ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. માર્ચ ૨૦૧૬માં બેક્નોએ તેની રિઝર્વ પ્રાઈઝસ ૧૫૦ કરોડ રૂપિયા રાખી હતી. અને અત્યાર સુધી પ્રોપર્ટી નહીં વેચાવાનુ મુખ્ય કારણ હતુ. બિલ્ડિંગ ત્રણ માળની છે અને તેનો પૂરો એરિયા ૧૫૮૬ ચોરસ મીટર છે. જયારે આખો પ્લોટ ૨૪૦૨ ચોરસ મીટરને છે. જાણકારોના મતે પ્રોપર્ટી મુંબઈ એરપોર્ટની બહારના વિસ્તારમાં છે અને બેક્નોએ તેની કિંમત વધારે આંકી હતી.

ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઈન્સને ચાલુ રાખવા માટે બેક્નો પાસેથી માલ્યાએ ૯૯૯૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. કંપનીની હાલત ખરાબ થયા બાદ માલ્યા બેક્નોને લોન પાછી આપી શક્યા નહોતા અને ૨૦૧૨માં એરલાઈન્સ પણ બંધ થઈ ગઈ હતી. પછી માલ્યા લંડન ફરાર થઈ ગયા હતા. જુલાઈ મહિનામાં લંડન હાઈકોર્ટે માલ્યાને દેવાળિયા જાહેર કર્યા છે અને સરકાર તેમને ભારત પાછા લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.

(7:27 pm IST)