Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહાત્મા ગાંધીજીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળી શકે : સંસદમાં રજૂ કરાયો પ્રસ્તાવ

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાનો ઠરાવ ફરી રજૂ કર્યો : ન્યૂયોર્કથી કોંગ્રેસના સભ્ય કેરોલીન બી મેલોનીએ કહ્યું - મહાત્મા ગાંધીના અહિંસક અને ઐતિહાસિક સત્યાગ્રહ અભિયાનથી રાષ્ટ્ર અને વિશ્વને પ્રેરણા મળી

નવી દિલ્હી :  ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવી શકે છે. અમેરિકાના એક પ્રભાવશાળી ધારાસભ્યએ શુક્રવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાનો ઠરાવ ફરી રજૂ કર્યો. કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ દરમિયાન સાંસદે જણાવ્યું કે કેવી રીતે મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે.

ન્યૂયોર્કથી કોંગ્રેસના સભ્ય કેરોલીન બી મેલોનીએ પ્રતિનિધિ સભામાં આ સંદર્ભમાં એક ઠરાવ રજૂ કરતા જણાવ્યું હતું કે ‘મહાત્મા ગાંધીના અહિંસક અને ઐતિહાસિક સત્યાગ્રહ અભિયાનથી રાષ્ટ્ર અને વિશ્વને પ્રેરણા મળી છે. તેમનું ઉદાહરણ આપણને અન્યની સેવામાં પોતાની જાતને સમર્પિત કરવા પ્રોત્સાહિત કરે છે. આપને જણાવી દઈએ કે આ પહેલા આ સન્માન જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, મધર ટેરેસા અને રોઝા પાર્ક્સને આપવામાં આવ્યું છે.

મેલોનીએ કહ્યું ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું વંશીય સમાનતા માટેનું અભિયાન હોય કે નેલ્સન મંડેલાની રંગભેદ સામે લડત, વિશ્વભરના અભિયાનોમાં મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લીધી છે. જાહેર સેવક તરીકે હું દરરોજ તેમની હિંમત અને તેમના આદર્શોથી પ્રેરિત છું. ચાલો આપણે ગાંધીજીની સૂચનાનું પાલન કરીએ કે ‘જે પરિવર્તન તમે દુનિયામાં જોવા માંગો છો, પહેલા તમારામાં તે પરિવર્તન લાવો’.

માહિતી અનુસાર યુએસ સંસદસભ્ય મેલોનીએ એવો પણ દાવો કર્યો છે કે વર્ષ 2019નું કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ માત્ર મહાત્મા ગાંધીને જ આપવું જોઈએ, તે આ અંગે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2018માં મેલોનીએ આ પ્રસ્તાવ પહેલી વખત સંસદમાં લાવ્યો હતો.

તે સમયે પણ પ્રતિષ્ઠિત કોંગ્રેસના આ ગોલ્ડ મેડલથી મહાત્મા ગાંધીને મરણોપરાંત સન્માનિત કરવાની માંગણી કરવામાં આવી હતી. મેલોનીએ કહ્યું કે જ્યારે આખો દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તેમને કોંગ્રેસના સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવા જોઈએ.

(6:41 pm IST)