Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવી રહેલું આતંકી સંગઠન તાલિબાન કેટલું સમૃદ્ધ છે ? : તેમની પાસે નાણાં ક્યાંથી આવે છે ? : નવા નક્કોર વાહનો , અદ્યતન નવા શસ્ત્રો , સ્વચ્છ વસ્ત્રો તથા શિસ્તબદ્ધ સૈનિકો ધરાવતા તાલિબાનો અફઘાનિસ્તાનના સંરક્ષણ બજેટ કરતા ત્રીસ ગણું ફંડ ધરાવે છે : અમેરિકાએ સૈન્ય પાછું ખેંચી લેતા હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનો માટે સત્તા સંભાળવાનો માર્ગ મોકળો : તેઓ મહિલાઓ ,પુરુષો ,તથા બાળકોની હત્યા કરતા પણ અચકાતા નથી

યુ.એસ. : અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવી રહેલું  આતંકી સંગઠન તાલિબાન આજથી પાંચ વર્ષ પહેલા એટલે કે 2016 ની સાલમાં નાણાકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ ધરાવતા આતંકી સંગઠનોમાં પાંચમા ક્રમે હતું. પ્રથમ ક્રમ ISIS નો હતો. જેનું વાર્ષિક ટર્નઓવર 2 અબજ ડોલરનું હતું . જયારે તાલિબાનનું 400 મિલિયન ડોલરનું  હતું. તેવું ફોર્બ્સના 2016 ની સાલના અહેવાલમાં જણાવાયું હતું.

હવે માત્ર ચાર વર્ષ પછીના આંકડાઓ જોઈએ તો રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી દ્વારા મેળવાયેલા નાટોના ગુપ્ત અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં તાલિબાનનું વાર્ષિક બજેટ 1.6 અબજ ડોલરને આંબી ગયું હતું . જે 2016 ના ફોર્બ્સના આંકડાઓની સરખામણીમાં ચાર વર્ષમાં 400 ટકાનો વધારો દર્શાવે છે.

2021 ની સાલનું ચિત્ર તો 2019-20 ની સાલ કરતા પણ વધુ ભયાનક દેખાય છે. તેમની આવક કૂદકે ને ભૂસકે વધતી જાય છે. નાનું બાળક પણ સમજે છે કે  કોઈપણ કામ સિદ્ધ કરવા માટે નાણાંથી છલકતું પાકીટ જરૂરી છે.

તાલિબાનોની મુખ્ય આવકના સ્ત્રોતો તરીકે ફોર્બ્સે ડ્રગ ટ્રાફિકિંગ, પ્રોટેક્શન મની અને ડોનેશનને ગણાવ્યા છે. જે મુજબ તાલિબાનોને થતી કુલ આવકમાં ખાણ કામથી 464 મિલિયન ડોલર , ડ્રગસની હેરાફેરીથી 416 મિલિયન ડોલર , વિદેશી ડોનેશન 240 મિલિયન ડોલર , એક્સપોર્ટ દ્વારા 240 મિલિયન ડોલર, પ્રોટેક્શન મની તથા ખંડણીથી ઉઘરાવાતા નાણાં  160 મિલિયન ડોલર અને  રિયલ એસ્ટેટના માધ્યમથી  80 મિલિયન ડોલરની આવક થાય છે.

સામે પક્ષે અફઘાનિસ્તાન સરકાર  તેના સત્તાવાર બજેટમાંથી માત્ર 2 ટકાથી પણ ઓછી રકમ સંરક્ષણ બજેટ તરીકે ફાળવતી હતી. જો કે તે માટે અમેરિકા દ્વારા ફાળવતું મોટું ફંડ પણ જવાબદાર હતું. હવે અમેરિકાએ તેનું સૈન્ય પાછું ખેંચી લેતા તાલિબાન માટે સત્તા સાંભળવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાલિબાન સામેની સીધી લડત માટે અથવા અફઘાન દળોને તાલીમ આપવા માટે 19 વર્ષમાં લગભગ એક ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.તેવું ઇન્ડિયા ટુડે દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)