Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

શાળાઓ ખોલાવવા ધોરણ ૧૨નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

વર્ગો ઓનલાઇન આયોજિત કરવામાં આવી રહ્યા છેઃ તેથી, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ આવા વર્ગો સુધી પહોંચી શકતા નથીઃ વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલ શિક્ષણના અભાવમાં પરિવારના દબાણ હેઠળ મેન્યુઅલ પરિશ્રમ કાર્યનો સહારો લેવો પડી રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૪: દિલ્હીમાં ૧૨ માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશભરની શાળાઓ ફરીથી ખોલવાની માગ કરી છે. રવિપ્રકાશ મહેરોત્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓ ફરીથી ખોલવા માટે ન્યાયી અને ઝડપી નિર્ણય લેવા માટે નિર્દેશો આપવા જોઈએ.જેથી વિદ્યાર્થી સમુદાય પર્યાપ્ત સલામતીનાં પગલાં સાથે ફિઝિકલ વર્ગોમાં ભાગ લઈ શકે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ ન ખોલવાને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક અને શારીરિક બંને આડઅસર થઈ રહી છે. શાળાઓ ખોલાવાથી બાળકોને મળનારા સંપૂર્ણ શિક્ષા અને સમાનતા અધિકારને આધાર બનાવીને દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ કે વર્ગો ઓનલાઇન આયોજિત કરવામાં આવી રહ્યા છે.તેથી, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ આવા વર્ગો સુધી પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલ શિક્ષણના અભાવમાં પરિવારના દબાણ હેઠળ મેન્યુઅલ પરિશ્રમ કાર્યનો સહારો લેવો પડી રહ્યો છે.

બાળકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે ગયા વર્ષે દેશભરની શાળાઓ બંધ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે ધીમે શાળાઓ ખોલવામાં આવી રહી છે ઉત્ત્।રપ્રદેશમાં ધોરણ ૬ થી ૮ સુધીની શાળાઓ ૧ સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે સૂચનાઓ આપી છે.    ટીમ ૯ સાથેની બેઠક બાદ તેમણે કહ્યું કે વર્ગો ખોલવાની  પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

આ નિર્ણય પહેલા કોરોના વાયરસની સ્થિતિનું પણ સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પછી માધ્યમિક, ઉચ્ચમાધ્યમિક,વ્યાવસાયિક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ શરૂ થઈ રહ્યું છે  આ સાથે, તેમણે ૧૮ વર્ષથી ઉપરના શિક્ષકો અને વિદ્યાર્થીઓના રસીકરણ પર ભાર મૂકયો અને કહ્યું કે આ માટે શાળા અને કોલેજ પરિસરમાં જ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવે.

(11:42 am IST)