Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

એન્ટી ડ્રોન સિસ્ટમની પણ તૈનાતી

ત્રાસવાદી હુમલાની આશંકા વચ્ચે દિલ્હીથી લઇને કાશ્મીર સુધી હાઇ એલર્ટ

નવી દિલ્હી તા. ૧૪ : આઝાદીના જશ્નમાં કોઈ ખલેલ ન પડે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં દરેક જગ્યાએ સુરક્ષા દળોના જવાન તૈનાત છે. સ્વતંત્રતા દિવસ સમારોહને ધ્યાનમાં રાખતા અનેક પ્રતિષ્ઠિત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને દિલ્હીની સરહદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમની પણ તૈનાતી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ સ્વતંત્રતા દિવસને લઈને એલર્ટ છે. રસ્તા પર નિકળતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં ભારત સામે સતત પછળાટ ખાધા બાદ પાકિસ્તાનન મૂંઝવણમાં છે. તેવામાં તે કોઈ ષડયંત્રને અંજામ આપવાની યોજના બનાવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા સુરક્ષાદળો ઘાટીમાં વિશેષ સાવચેતી રાખી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સ્વતંત્રતા દિવસ પહેલા અને સમારોહ થનારા દિવસે દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને શુક્રવારે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એલર્ટને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસે મેટ્રો, બજારો, મોલ વગેરેની સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય દિલ્હીની સરહદો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તો ખાલિસ્તાની સમર્થકો પણ ૧૫ ઓગસ્ટે કોઈ ગડબડી કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે ખાલિસ્તાની દિલ્હી તથા પંજાબમાં ઐતિહાસિક ઇમારતો સહિત અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે. તેને જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. ઇનપુટમાં તે પણ આશંકા વ્યકત કરવામાં આવી છે કે ખાલિસ્તાની કિસાનોને ભડકાવી ઉગ્ર પ્રદર્શન કરાવી શકે છે. ગુપ્તચર એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન સમર્થક ૧૪ ઓગસ્ટની રાત્રે ૧૨ કલાકથી લઈને ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન કે ત્યારબાદ ગડબડી ફેલાવી શકે છે.

આતંકી હુમલાના ઇનપુટ્સ વચ્ચે ખાલિસ્તાની સમર્થકોને લઈને મળેલા ગુપ્ત એલર્ટથી દિલ્હી પોલીસ સક્રિય થઈ છે. પોલીસે પોતાના ગુપ્ત વિભાગની સ્પેશિયલ યૂનિટને પણ એલર્ટ કરી દીધી છે. જાણકારી પ્રમાણે ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો પર સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય ૧૫ ઓગસ્ટ પર ફુગ્ગા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં કલમ ૧૪૪ પણ લાગૂ કરી દેવામાં આવી છે.

(10:34 am IST)