Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઓડિશામાં સામે આવી અજીબોગરીબ ઘટના

એક વ્યકિતએ સાપને બચકું ભરતા સાપનું મોત!

સાપે યુવકના પગમાં ડંખ માર્યો, યુવકે તેનો બદલો લેવા માટે સાપને પકડીને બચકું ભર્યું

ભુવનેશ્વર,તા.૧૪: ઓડિશામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના જાજપુર જિલ્લાના એક ગામમાં ૪૫ વર્ષીય આદિવાસી વ્યકિતએ સાપને બચકું ભરતા સાપ મરી ગયો હતો. સાલિજંગા પંચાયતના ગાંભરિપાટીયા ગામનો કિશોર બદ્રા નામનો વ્યકિત ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સાપે તેના પગમાં ડંખ માર્યો હતો. તેનો બદલો લેવા માટે કિશોર બદ્રાએ સાપને પકડીને સાપને બચકું ભર્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ કિશોર બદ્રા મરેલા સાપ સાથે ગામમાં આવ્યો હતો અને તેની પત્નીને તમામ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, કાલે રાત્રે જયારે હું ઘરે આવી રહ્યો હતો, ત્યારે મારા પગમાં કંઈક વાગ્યું હોય તેવું લાગ્યું. મેં ટોર્ચ ચાલુ કરી અને મેં જોયું કે મને ઝેરીલા સાપે ડંખ માર્યો છે. હું તે સાપ સાથે બદલો લેવા માટે સાપને હાથમાં લઈને વારંવાર બટકું ભરતો રહ્યો અને સાપને ત્યાં જ મારી નાંખ્યો.

આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને તે ચર્ચાનો વિષય બની ગઈ. બદ્રાએ તેના મિત્રોને સાપ બતાવ્યો. કેટલાક લોકોએ બદ્રાને હોસ્પિટલ જવાની સલાહ આપી, પરંતુ તેણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. તે જ રાતે આ અંગે સલાહ લેવા માટે બદ્રાને વૈઘ પાસે લઈ જવામાં આવ્યો હતો. સદભાગ્યે બદ્રાને સાપના ડંખની કોઈ અસર થઈ ન હતી.

બદ્રાએ આ અંગે જણાવ્યું કે, 'ભલે મેં ઝેરીલા સાપને બચકું ભર્યું, પરંતુ મને કંઈ નથી થયું. હું ગામમાં રહેતા એક વૈઘ પાસે ગયો અને હું સાજો થઈ ગયો.'

ભારતમાં સાપને બચકું ભરવાની આ પહેલી કે બીજી ઘટના નથી. જુલાઈ ૨૦૧૯માં ગુજરાતના મહિસાગર જિલ્લામાં સાપે ૬૦ વર્ષના વ્યકિતને ડંખ મારતા તેનું મોત થઈ ગયું. જોકે, વ્યકિતએ મરતા પહેલાં તે સાપને બચકું ભરતાં સાપનું પણ મોત થયું હતું. આ ઘટના સંતરામપુરના અજનવા ગામમાં થઈ હતી. આ ગામ ગુજરાતના વડોદરાથી ૧૨૦ કિમી દૂર છે.

ગ્રામ પ્રધાને જણાવ્યું કે, પર્વત ગાલા બરયા એક એવી જગ્યા પર ઊભો હતો, જયાં એક ટ્રકમાં મકાઈ ભરવામાં આવી રહી હતી. તે સમયે એક સાપ આવ્યો તો અન્ય લોકો ત્યાંથી ભાગી ગયા, પરંતુ તે દાવો કરી રહ્યો હતો કે તેણે પહેલા પણ સાપ પકડ્યા છે. તેણે જણાવ્યું કે, તેણે સાપને પકડી લીધો અને સાપે તેને હાથે અને ચહેરા પર ડંખ માર્યો. પર્વતે પણ સાપને બચકું ભર્યું અને સાપને મારી નાંખ્યો.

એક અન્ય ઘટના ઉત્ત્।રપ્રદેશમાંથી સામે આવી હતી. એક વ્યકિતએ સાપને બચકું ભર્યા બાદ તેણે તેના દાંતથી સાપના ટુકડા કરી દીધા હતા. ઈટાહના નિવાસી રાજકુમારે નશાની હાલતમાં સાપને બટકું ભરતા તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. રાજકુમારના પિતા બાબુ રામે જણાવ્યું હતું કે, મારો પુત્ર નશામાં હતો. એક સાપ ઘરમાં આવી ગયો અને તેણે રાજકુમારને ડંખ માર્યો, ત્યારબાદ તેણે દાંતથી સાપના ટુકડા કરી દીધા હતા.

(10:33 am IST)