Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

બીજા તબક્કાની ટ્રાયલને મળી મંજૂરી

ભારત બાયોટેક એ તૈયાર કરી નાકથી અપાતી વેકિસન

નવી દિલ્હી,તા.૧૪: કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે ભારતને વધુ એક વેકિસન મળવાની છે. આ વેકિસન નાકથી ડ્રોપના રૂપમાં આપી શકાશે.

જાણકારી પ્રમાણે આ વેકિસન ભારત બાયોટેક તરફથી વિકસિત કરવામાં આવી રહી છે. કંપનીને આ વેકિસનના બીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. કિલનિકલ ટ્રાયલ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ કહ્યું કે, દવાના પ્રથમ તબક્કાની ટ્રાયલ ૧૮ થી૬૦ વર્ષના લોકો પર કરવામાં આવી હતી. તે સંપૂર્ણ પણે સફળ રહી છે.

બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ કહ્યું- નાકથી અપાતી ભારત બાયોટેકની આ નોઝલ વેકિસન છે. જેના બીજા તબક્કાની ટ્રાયલ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. તેનાથી ડીબીટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીને બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. આ આવા પ્રકારની કોરોનાની પ્રથમ રસી છે, જેની ભારતમાં મનુષ્યો પર ટ્રાયલ થશે. કંપનીએ તેની તકનીક સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સિટીથી પ્રાપ્ત કરી છે.

DBT એ કહ્યું- કંપનીએ જાણકારી આપી છે કે પ્રથમ તબક્કાની ટ્રાયલમાં સામેલ લોકોના શરીરે રસીના ડોઝને સફળતાપૂર્વક સ્વીકાર કર્યો છે. કોઈ જગ્યાએથી આડઅસરની જાણકારી નથી. આ પહેલાના અભ્યાસોમાં પણ રસી સુરક્ષિત જોવા મળી હતી. DBT એ કહ્યું કે પશુઓ પર થયેલી સ્ટડીમાં આ રસી એન્ટીબોડીનું ઉચ્ચ સ્તર બનાવવામાં સફળ રહી છે.

(10:32 am IST)