Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

બ્રેઇનટયુમરના ઓપરેશન વખતે ડોકટરોએ દર્દીના માથાનું હાડકું કાઢી લીધું : દર્દીની આવી થઇ હાલત : કેસ પોલીસમાં

ડોકટરની ભૂલને કારણે દર્દીની જિંદગી બરબાદ થઇ

ઇન્દોર,તા.૧૪:મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લામાં ડોકટરોની બેદરકારીને પગલે એક વ્યકિતની જિંદગી બગડી ગઈ છે. ડોકટરોએ આ વ્યકિતના માથાનું હાડકું કાઢી લીધું હતું. જયારે વ્યકિતને આ હાડકાંની ફરીથી જરૂર પડી ત્યારે સંપર્ક કરતા માલુમ પડ્યું કે હાડકાને નષ્ટ કરી દેવાયું છે. જે બાદમાં વ્યકિતએ ડોકટર વિરુદ્ઘ પોલીસ ફરિયાદ આપી છે. વ્યકિતનું કહેવું છે કે ડોકટરના કારણે તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ કેસમાં હોસ્પિટલ તંત્ર અને દર્દીના પરિવારજનો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હોસ્પિટલનું કહેવું છે કે પરિવારની મંજૂરી બાદ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. જયારે દર્દીના પરિવારનું કહેવું છે કે તેમણે આ માટે મંજૂરી આપી નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉજ્જૈનના કીર્તિ પરમારને અમુક વર્ષો પહેલા બ્રેન ટ્યુમર થયું હતું. વર્ષ ૨૦૧૯માં તે ઓપરેશન માટે ઇન્દોર ગયા હતા. ઓપરેશન વખતે ડોકટરોએ તેના માથાનું હાડકું કાઢી નાખ્યું હતું. ડોકટરોએ કીર્તિને સલાહ આપી હતી કે રિકવરી બાદ આ હાડકું ફરીથી લગાવી દઈશું.

થોડા સમય પછી જયારે દર્દી અને તેના પરિવારે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેમને માલુમ પડ્યું કે એ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. મેનેજમેન્ટનું કહેવું છે કે આ માટે દર્દીના પરિવારના લોકોએ મંજૂરી આપી હતી. જયારે પરિવારનું કહેવું છે કે તેમણે આ માટે કયારેય પણ મંજૂરી આપી ન હતી. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલે તેમને કહ્યું હતું કે થોડા સમય પછી ઓપરેશન કરીને આ હાડકાને ફરીથી લગાવી દેવામાં આવશે.

દર્દીના પરિવારના લોકોએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે માથાનું ઓપરેશન કરીને બીજી વખત હાડકું નાખવાનો ખર્ચ પાંચ લાખ રૂપિયા છે. હાડકા વગર દર્દીનો ચહેરો અડધો હોય તેવું લાગે છે. આ મામલે એડિશનલ પોલીસ કમિશનર રાજેશ રદ્યુવંશીનું કહેવું છે કે, ઉજ્જૈન નિવાસી વ્યકિતએ એમઆઈજી પોલીસ સ્ટેશનને એક ખાનગી હોસ્પિટલ વિરુદ્ઘ ફરિયાદ આપી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

(10:28 am IST)