Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આવો ન્યાય..? કોર્ટે કહ્યું પત્ની સાથે દબાણપૂર્વક યૌન સંબંધ બાંધવો ગેરકાયદે નહીં

પત્ની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધવો ગેરકાયદે નહીં : મુંબઈ કોર્ટે એક કેસમાં આવો ચુકાદો આપ્યો

મુંબઇ,તા.૧૪:પત્ની સાથે તેની સંમતિ વગર પતિ દ્વારા શારીરિક સંબંધ બાંધવો કેટલા અંશે યોગ્ય છે? આવા કેસ મામલે ન્યાયિક રીતે બે અલગ અલગ ચુકાદા જોવા મળ્યા છે. મેરિટલ રેપ (પત્નીની મરજી વગર શારીરિક સંબંધ બાંધવા)ના કેસમાં ૭ દિવસની અંદર દેશની બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા છે. મુંબઈ સિટી એડિશનલ સેશન કોર્ટનું કહેવું છે કે પત્નીની ઈચ્છા વગર શારીરિક સંબંધ બનાવવો ગેરકાયદે નથી. જયારે કેરળ હાઈકોર્ટે ૬ ઓગસ્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે મેરિટલ રેપ ક્રૂરતા છે અને એ ડિવોર્સનો આધાર બની શકે છે.

મુંબઈની એક મહિલાએ સેશન કોર્ટમાં કહ્યું હતું કે પતિના દબાણને કારણે તેના કમરમાં લકવો આવી ગયો છે. આ સાથે પીડિત પરણિત મહિલાએ તેના પતિ અને સાસરીયાવાળાઓ સામે દહેજ માટે અત્યાચાર કરવા બદલ કેસ પણ કર્યો છે. આ મામલે આરોપી અને તેના પરિવારે આ આક્ષેપોને નકાર્યા હતા અને જામીન અરજી પણ કરી હતી અને કોર્ટે એ અરજીને મંજૂર કરી છે.

ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયધિશ એસ. જે. ધરતે કહ્યું હતું કે મહિલાનો આક્ષેપ કાયદાકીય તપાસમાં આવતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જો પતિ પત્ની સાથે સંબંધ બનાવે તો તેને ગેરકાયદે ના કહી શકાય, તેણે કોઈ ખોટું કામ કર્યું નથી.

જજે વધુમાં કહ્યું કે મેરિટલ રેપ ભારતમાં ગુનો નથી. જોકે મહિલા લકવાગ્રસ્ત થઈ એ દુર્ભાગ્યપુર્ણ છે, પરંતુ તેના માટે આખા પરિવારને જવાબદાર ના ઠેરવી શકાય. આ મુદ્દે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની જરૂર પણ નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે મહિલાએ સાસરિયાવાળા પર દહેજના અત્યાચારનો આક્ષેપ તો લગાવ્યો છે પરંતુ એવું નથી કહ્યું કે દહેજમાં શું શું માગ્યું.

પીડિત વિવાહિત મહિલાએ કહ્યું હતું કે તેમના લગ્ન નવેમ્બર ૨૦૨૦માં થયા હતા અને લગ્નના એક મહિના પછી જ પતિએ તેની સાથે દબાણપૂર્વક સંબંધ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આની વચ્ચે જાન્યુઆરીમાં તબિયત ખરાબ થતાં તે ડોકટર પાસે ગઈ તો ખબર પડી કે તેની કમરના નીચેના ભાગમાં લકવાની અસર છે.

(10:26 am IST)