Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ત્રીજી લહેરની ભીતિ

મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે રસીના બંને ડોઝ જરૂરી : RTPCR રિપોર્ટ નહીં હોય તો ૧૪ દિવસ રહેવું પડશે કવોરન્ટાઇન

મુંબઇ,તા. ૧૪: મહારાષ્ટ્ર સરકારે કોરોના કાળમાં બહારથી આવતા મુસાફરોને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે જો કોઈ પ્રવાસી રાજયમાં પ્રવેશે છે, તો તેમના માટે કોરોના રસીના બંને ડોઝ મેળવવા જરૂરી રહેશે. તેઓએ પુરાવા તરીકે રસીનું પ્રમાણપત્ર પણ રાખવું પડશે. બીજી બાજુ, જો કોઈએ રસી ન લીધી હોય, તો તેના માટે નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી હશે. જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો બહારથી આવતા મુસાફરોને મહારાષ્ટ્રમાં ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન થવું પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરો માટે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા પહેલા રસીનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી રહેશે. બંને રસી લીધેલી હોવી જરૂરી છે, આ સિવાય બીજી રસી લીધાને ૧૪ દિવસ થયા હોવા ફરજિયાત રહેશે. હવે જો કોઈ પેસેન્જર આ માપદંડો પર ખરા નથી ઉતરતાં, તો તેમને કોરોનાનો નેગેટિવ RT PCR રિપોર્ટ બતાવવો પડશે. તે રિપોર્ટ પણ ૭૨ કલાક જૂનો હોવો જોઈએ.

રાજય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈએ રસી ન લીધી હોય અને તેની પાસે નેગેટિવ રિપોર્ટ પણ ન હોય તો પણ તેને ૧૪ દિવસના કવોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે. સરકાર દ્વારા આ સખ્તી બતાવવામાં આવી રહી છે કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય છે. ઉદ્ઘવ સરકાર દ્વારા દરેક પગલા સમય પહેલા લેવામાં આવી રહ્યા છે જેથી બીજી લહેર જેવી તબાહી ફરી ન થાય.

(10:26 am IST)