Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજીનામાના વધતા દબાણ વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું - તાલિબાન વિરુદ્ધ મજબૂતી સાથે લડશે

રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષા બેઠક યોજાઈ : રક્ષા અને સુરક્ષા દળોની સાથે સાથે રાષ્ટ્રીય પ્રતિરોધ દળોને પણ તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાશે

અમેરિકાનો પ્રભાવ હટવાની સાથે જ તાલિબાની આતંકવાદીઓ સમગ્ર અફઘાનિસ્તાનને પોતાના કબ્જામાં લેવાની તૈયારીમાં છે. ત્યારે સૂત્રો મુજબ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગની પર રાજીનામાનું દબાણ વધી ગયું છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો કે અશરફ ગની રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામુ આપી શકે છે.

તાલિબાનની માંગણી છે કે જો રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પદેથી રાજીનામુ આપી દે તો તેઓ હુમલા રોકી દેશે.

આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ગનિએ સુરક્ષા મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી. જે બાદ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષા બેઠક થઈ. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તાલિબાનની વિરૂદ્ધની લડાઈ અને રાષ્ટ્રીય પ્રતિરોધનું પૂર્ણ સમર્થન કરીશું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો છે કે રક્ષા અને સુરક્ષા દળોની સાથે સાથે રાષ્ટ્રીય પ્રતિરોધ દળોને પણ તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અફઘાનિસ્તાન હવે આતંકવાદી સંગઠન તાલિબાનના હાથમાં ગયું છે. અત્યારે એમ કહેવું ખોટું નથી. શુક્રવારે તાલિબાને કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર લોગર પ્રાંતની રાજધાની પર કબજો કર્યો છે. આ કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા વધી ગઇ છે. અફઘાનિસ્તાનનાં સાંસદ સઇદ કરીબુલ્લાહ સાદાતે કહ્યું કે, 'હવે તાલિબાનોએ 100 ટકા નિયંત્રણ મેળવી લીધું છે.' હવે લડવાની ક્ષણ જેવી કોઈ બાબત રહી નથી. મોટાભાગના અધિકારીઓ ભાગી ગયા છે અને કાબુલમાં આશરો લીધો છે.

તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનનાં 18 પ્રાંત પર કબજો કરી લીધો છે. એક અફઘાન અધિકારીએ પુષ્ટિ કરી છે કે સશસ્ત્ર જૂથે પશ્ચિમી પ્રાંત ઘોર પર પણ કબજો કરી લીધો છે. આ સિવાય ફિરોઝ કોહ સિટી પણ હવે તાલિબાનના હાથમાં છે.

દરમિયાન, નાટો સંગઠનમાં અમેરિકાના સહયોગી બ્રિટને અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થાય તો વિશ્વભરમાં આતંકવાદ વધવાની આશંકા વ્યક્ત કરી છે. બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વાલેસે કહ્યું કે, 'અફઘાનિસ્તાન જે રીતે નિષ્ફળ રહ્યું છે, તેનાથી અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો મજબૂત બનશે અને તેનાથી પશ્ચિમી વિશ્વ માટે સંકટ પેદા થશે.'

(12:30 am IST)