Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં હથિયારોના રેકેટનો પર્દાફાશ : ચાર આરોપીઓ ૫૫ પિસ્તોલ સાથે પકડાયા

મોટો જથ્થો ગેંગસ્ટર્સને સપ્લાય થવાનો હતો:હથિયારોના ગેરકાયદે રેકેટ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ

નવી દિલ્હી :  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ૫૫ ઓટોમેટિક પિસ્તોલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ મોટો જથ્થો ગેંગસ્ટર્સને સપ્લાય થવાનો હતો. હથિયારોના ગેરકાયદે રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે કહ્યું હતું કે હથિયારોની હેરાફેરી બાબતે પોલીસને થોડા દિવસ પહેલાં બાતમી મળી હતી. એના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આખરે દિલ્હીના અલગ અલગ સ્થળોએથી ચાર આરોપીઓ ૫૫ પિસ્તોલ સાથે પકડાયા હતા.
દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે છેલ્લાં થોડાં દિવસથી પોલીસે અલગ અલગ ચાર ઓપરેશન હાથ ધર્યા હતા. એ દરમિયાન આ હથિયારોના રેકેટનો ભાંડાફોડ થયો હતો.
આ આરોપીઓ પાસેથી પિસ્તોલ ઉપરાંત ૫૦ કારતૂસ પણ મળી આવ્યા હતા.

ચારમાંથી બે આરોપી દિલ્હીના છે અને બે ઉત્તર પ્રદેશના છે. આ આરોપીઓએ સ્વીકાર્યું હતું કે આ જથ્થો ગેંગસ્ટર્સ સુધી પહોંચવાનો હતો. દિલ્હી પોલીસે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપીએ કહ્યું હતું કે ૧૫મી ઓગસ્ટ પહેલાં હાઈએલર્ટ જારી કરાયો છે. તે સંદર્ભમાં આ જથ્થો જપ્ત થયો તે મહત્વની બાબત છે. આ હથિયારો સ્વતંત્રતા દિવસ અગાઉ કોઈ સંભવિત હુમલા માટે વપરાવાના હોય એવી શક્યતા પણ નકારી શકાતી નથી

(12:23 am IST)