Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

તાલિબાને અફઘાનિસ્તાનના 18 પ્રાંત પર કર્યો કબ્જો : કાબુલથી માત્ર 50 કી,મી,દૂર

તાલિબાનોએ કંદહાર અને લશ્કર ગાહ પર નિયંત્રણ :કબજે કરેલા શહેરોમાંથી એક હજારથી વધુ કેદીઓ મુક્ત કર્યા

અફઘાનિસ્તાનના મોટા શહેરો પર તાલિબાન કબજો જમાવી રહ્યું છે. હવે તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી માત્ર 50 કિમી દૂર છે. સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, તાલિબાનોએ કાબુલથી 50 કિમી દૂર આવેલા પ્રાંત ઉપર પણ કબજો કરી લીધો છે. આ રીતે, અત્યાર સુધીમાં કુલ 18 પ્રાંત હવે તાલિબાનના નિયંત્રણમાં આવી ગયા છે. હકીકતમાં, તાલિબાનોએ કંદહાર અને લશ્કર ગાહ પર કબજો કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર તાલિબાનોએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેઓએ અન્ય પ્રાંતીય રાજધાની કંદહાર કબજે કરી છે. આ પછી લશ્કરગાહ પણ તેના કબજામાં આવી ગયું.

હવે તેની પાસેથી માત્ર રાજધાની કાબુલ બાકી છે. કંદહાર કાબુલ પછી અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે.

હવે તાલિબાનનું આગામી લક્ષ્‍ય કાબુલ હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંદહારમાં જ તાલિબાનોએ ભૂતકાળમાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડેનિશની હત્યા કરી હતી. ગુરુવારે તાલિબાને કંદહાર પર કબજો કરતા પહેલા વધુ બે પ્રાંતીય રાજધાનીઓ ગઝની અને હેરત પર કબજો કર્યો હતો.

તાલિબાનોએ અત્યાર સુધી કબજે કરેલ પ્રાંત
1. ઝરંજ
2. શેબરખાન
3. સાર એ પુલ
4. કુંદુઝ
5. તલોકન
6. એબક
7. ફરાહ
8. પુલ એ ખુમારી
9. બદખશા
10. ગજની
11. હેરાત
12. કંદહાર
13. લશ્કર ગાહ
14. કલત
15. પુલ એ આલમ
16. તેરેનકોટ
17. ફેરઝ કોહ
18. કાલા એ નાવ

તાલિબાનના કબજા હેઠળના છ અફઘાન શહેરોમાંથી 1,000 થી વધુ કેદીઓને મુક્ત કર્યા છે. જેલ પ્રશાસનના ડિરેક્ટર સફીઉલ્લાહ જલાલઝાઇએ જણાવ્યું હતું કે, તેમાંથી મોટા ભાગનાને ડ્રગ હેરફેર, અપહરણ અને સશસ્ત્ર લૂંટ માટે સજા કરવામાં આવી હતી. છ શહેરોમાં ઘણા તાલિબાન આતંકવાદીઓ પણ હતા જેમાં તાલિબાનોએ ડ્રગ હેરફેર, સશસ્ત્ર લૂંટ અને અપહરણના દોષિતોને મુક્ત કર્યા છે.

કુન્દુઝમાં છૂટેલા 630 કેદીઓમાં 180 તાલિબાન આતંકવાદીઓ હતા. તેમાંથી 15 ને અફઘાન સરકારે ફાંસીની સજા ફટકારી હતી. નિમરોજ પ્રાંતના ઝરંજ શહેરમાંથી મુક્ત થયેલા 350 કેદીઓમાંથી 40 તાલિબાન આતંકવાદીઓ હતા. જોકે, અફઘાન સરકારે કહ્યું છે કે આતંકવાદીઓને પકડ્યા બાદ જેલમાંથી મુક્ત થયેલા તમામ કેદીઓને ફરી પકડી લેવાશે.

(12:00 am IST)