Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સંરક્ષણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાંથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ સાંસદોનો વોકઆઉટ

રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ LAC મુદ્દે ચર્ચાની માંગ કરી : અધ્યક્ષે તેને મંજૂરી નહીં આપતા વોક આઉટ કર્યું

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાંસદોએ બુધવારે સંરક્ષણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાંથી સરહદ મુદ્દે ચર્ચા કરતી વખતે વોકઆઉટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સમિતિના અધ્યક્ષે તેને મંજૂરી આપી ન હતી અને તેથી તેમણે બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું.

સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પાકિસ્તાન સરહદ પર ચીનના આક્રમક વલણ અને અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં તાલિબાનના કબજા સહિતના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ અંગે પણ ચર્ચા થવી જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિના વડા અને ભાજપના નેતા જુઅલ ઓરાંવે આ અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દા એજન્ડામાં પૂર્વનિર્ધારિત નથી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો ભારતીય સુરક્ષા દળોના ડ્રેસ પર ચર્ચા દરમિયાન સંસદીય સમિતિની બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે આ બેઠકમાં ભારતીય સુરક્ષા દળોની ડ્રેસ શૈલી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે રાજકીય લોકો છીએ અને સુરક્ષા દળોના ડ્રેસ અને બેચ અંગે નિર્ણય લેનારા આપણે નથી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય ફક્ત સુરક્ષા દળો દ્વારા લેવાની છૂટ હોવી જોઈએ

(10:36 pm IST)