Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની મોટી જાહેરાત :2.80 લાખ ખેતમજૂર અને ભૂમિહીન ખેડૂતોનું દેવું માફ

પ્રાથમિક સહકારી સભાઓના 2,85,325 સભ્યોનું 590 કરોડ રૂપિયાનું દેવું માફ: લોન લેનારને મળશે રાહત

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેત મજૂર અને ભૂમિહીન ખેડૂતોનું કૃષિ ઋણ સ્કીમ હેઠળ 590 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. તેનાથી મુખ્યમંત્રી દ્વારા પોતાની સરકારનો વધુ એક મોટો વાયદો પૂરો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

  હાઈ લેવલ મીટિંગ બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે 20 ઓગસ્ટે રાજ્ય સ્તરીય સમારોહ દરમિયાન આ ચેક જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પંજાબ સરકાર દ્વારા પ્રાથમિક સહકારી સભાઓના 2,85,325 સભ્યોનું 590 કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવશે, જેનાથી દરેક સભ્યને 20 હજારની રાહત સહાય આપવામાં આવશે. તેઓએ વિત્તા અને સહકારિતા વિભાગોને આ નિર્ણયને જમીની સ્તરે કારગર રીતે અમલમાં લાવવા માટે પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે આદેશ કર્યો છે.

પંજાબ સરકારે પંજાબ કૃષિ સહકારી સભાઓ-2019 અંતર્ગત ખેત મજૂરો અને ભૂમિહીન ભાડૂઆત સભ્યો માટે ઋણ રાહત સ્કીમ બનાવી હતી. જેના હેઠળ રાજ્યમાં પંજાબ કૃષિ સભાઓ મારફતે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો દ્વારા સહકારી સભાઓના સભ્યોને આપવામાં આવેલ લોન સામેલ છે.

કેપ્ટન દ્વારા બુધવારે કરવામાં આવેલ આ જાહેરાત ઋણ રાહત સ્કીમ હેઠળ ખેડૂતોના લોન માફી કર્યા બાદ કરવામાં આવી છે. પંજાબ કોંગ્રેસ દ્વારા 2017માં ઋણ માફીનો ચૂંટણી વાયદો કરવામાં આવ્યો હતો. જે હેઠળ આ સ્કીમમાં અત્યાર સુધી 5.64 લાખ ખેડૂતોનું 4624 કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે.

(10:03 pm IST)