Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

યુપીમાં ત્રણ બાળકો ધરાવે છે ભાજપના અડધોઅડધ ધારાસભ્યો : આઠને છે ૬-૬ સંતાનો

યુપીમાં ૫૦% ભાજપના ધારાસભ્યોને બેથી વધુ બાળકો : ૧ ધારાસભ્યને ૭ બાળકો છે : ભાજપના સાંસદો અને ધારાસભ્યો ભલે વસ્તી નિયંત્રણ કાનૂનના ઢોલ વગાડે પણ જો કાયદો બને તો ભાજપના જ અનેક નેતાઓને ઘરે બેસવાનો વારો આવે

નવી દિલ્હી તા. ૧૪ : ઉત્તરપ્રદેશની ભાજપ સરકારે જનસંખ્યા નિયંત્રણ પર જારી પોતાના મુસદ્દામાં બે બાળકોથી વધુ હોય તેવા માતા-પિતાને સ્થાનિક ચૂંટણી લડવા, સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે અરજી આપવા અને સરકારી સબસિડી મેળવવાના અધિકારથી વંચિત રાખવાની જોગવાઇ કરી છે. મજાની વાત એ છે કે આ મુસદ્દાની જોગવાઇઓને રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે લાગુ કરાય તો ભાજપના જ ૫૦%થી વધુ ધારાસભ્યો ચૂંટણી લડવા અયોગ્ય જાહેર થઇ શકે છે. અડધોઅડધ ભાજપના ધારાસભ્યો ત્રણ બાળકો ધરાવે છે જ્યારે આઠ ધારાસભ્યોને ૬-૬ સંતાનો છે.

યુપી વિધાનસભાની વેબસાઇટ પર કુલ ૩૯૭ ધારાસભ્યોની પ્રોફાઇલ અપલોડ છે. આમા ૩૦૪ ધારાસભ્યો ભાજપના છે. તેઓની પ્રોફાઇલ બતાવે છે કે ૧૫૨ એટલે કે અડધોઅડધ ધારાસભ્યોને બેથી વધુ બાળકો છે. આમાથી એક ભાજપના ધારાસભ્યને આઠ બાળકો છે. યાદીમાં બીજા કોઇ ધારાસભ્યને આટલા બાળકો નથી.

એક ધારાસભ્યને ૭ બાળકો છે તો ભાજપના આઠ ધારાસભ્યો છે જેમને ૬-૬ બાળકો છે તો ૧૫ ધારાસભ્યોને પાંચ, ૪૪ને ચાર, ૮૩ને ત્રણ અને ૧૦૩ને બે-બે બાળકો છે. જ્યારે ૩૪ ધારાસભ્યોને એક-એક બાળક છે. ૧૫ ધારાસભ્યોને કોઇ બાળક નથી.

વાત અહીંથી સમાપ્ત નથી થતી. ગોરખપુરથી સાંસદ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિકિશને જનસંખ્યા નિયંત્રણ પર પ્રાઇવેટ મેમ્બર બીલ રજૂ કર્યું છે તે ભાજપના સાંસદ છે અને ૪ બાળકોના પિતા છે.

દેશમાં જનસંખ્યા નિયંત્રણના હેતુથી સંસદમાં લાવવામાં આવેલા જનસંખ્યા નિયંત્રણ વિધાયક ૨૦૧૯માં પણ બે બાળકોની નિતીની વાત હતી.

(11:07 am IST)