Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કોરોનાની રસીને બહાને યુવકની નસબંધી કરી દેવાઇ

ઈટાહ,તા.૧૪: સન્ની દેઓલની સુપરહિટ ફિલ્‍મ નરસિંમ્‍હાની યાદ અપાવતો એક કિસ્‍સો ઉત્તરપ્રદેશના ઈટાહ જિલ્લામાં બન્‍યો હતો, જેમાં એક મુક-બધિર વ્‍યક્‍તિની કોરોનાની વેક્‍સિન આપવાને બહાને નસબંધી કરી દેવાતા હોબાળો મચી જવા પામ્‍યો છે.

આ ઘટનાનો ભોગ બનેલા ૪૫ વર્ષીય યુવક ધ્રુવ કુમારના ભાઈ અશોકે કરેલી ફરિયાદમાં જણાવ્‍યાં અનુસાર તેનો ભાઈ જન્‍મથી જ સાંભળી કે બોલી શકતો નથી. ગયા રવિવારે નીલમ દેવી નામની આશા વર્કર્સ કોરોનાની રસી અપાવવાનું કહી તેના ભાઈ ધ્રુવને હોસ્‍પિટલ લઈ ગઈ હતી. જોકે તે તેને વેક્‍સિન કેમ્‍પને બદલે મહિલાઓની હોસ્‍પિટલમાં લઈ ગઈ હતી જયાં તેને કહ્યા વગર જ તેની નસબંધી કરી દીધી હોવાનું અશોકે તેની ફરિયાદમાં જણાવ્‍યું છે. નીલમ દેવીએ ધ્રુવને રૂ. ૩૫૦૦ મળશે તેવી લાલચ પણ આપી હતી. અશોકના જણાવ્‍યાં અનુસાર તેનો ભાઈ હજી અપરણિત છે. જોકે હજી આ મામલે એફઆઈઆર નહીં નોંધી હોવાનું જણાવતા સ્‍થાનિક પોલીસે કહ્યું હતું કે અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.

જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર ઉમેશ ત્રિપાઠીના જણાવ્‍યાં અનુસાર આ સમગ્ર ઘટનાક્રમમાં આશા કાર્યકર્તાની કોઈ ભૂલ નથી. તેમણે જણાવ્‍યું હતું કે ધ્રુવની ભાભીએ જ નીલમ દેવી નામની આશા કાર્યકર્તાને તેની નસબંધી કરવા લઈ જવા જણાવ્‍યું હતું. તેની ભાભીએ નીલમને એમ પણ જણાવ્‍યું હતું કે ધ્રુવને ત્રણ બાળકો છે અને તે કોઈ કામ નહીં કરતો હોવાથી તેની પત્‍ની બાળકો સાથે તેને છોડીને ચાલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે નરસિંમ્‍હા ફિલ્‍મના એક દૃશ્‍યમાં એક તબીબ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે લોકોને ભોળવીને તેમની નસબંધી કરતો હોવાનું દર્શાવ્‍યું હતું.

 

(10:22 am IST)