Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લોકોનાં આહાર-આરોગ્યના પૈસા ખાઇ જાય છે ઇંધણ

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો લોકોની ખર્ચ કરવાની તાકાત છીનવી રહયા છેઃ SBIનો રીપોર્ટ : ગ્રોસરી અને યુટીલીટી સર્વિસીસ પાછળનો ખર્ચ ઘટયોઃ SBI રિસર્ચનું સૂચનઃ સરકાર ઇંધણ પરનો ટેક્ષ ઘટાડે

મુંબઇ, તા.૧૪: પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવોના કારણે લોકો આરોગ્ય અને રસોઇ ખર્ચમાં કાપ મુકવા મજબૂર બન્યા છે. એસબીઆઇ રીસર્ચે મંગળવારે જણાવ્યું કે મોંઘા ઇંધણના કારણે કરિયાણું, આરોગ્ય અને અન્ય ઉપયોગી વસ્તુઓ પર થતો ખર્ચ ઘટતો જાય છે. આ વસ્તુઓની માંગમાં ઘટાડાથી સાબિત થાય છે કે આ ખર્ચઓમાં ઘટાડો થયો છે.

એસબીઆઇના ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય ક્રાંતિ ઘોષે કહયું કે સરકારે ઓઇલ પર ટેક્ષમાં તાત્કાલિક અસરથી ઘટાડો કરવો જોઇએ. ટેક્ષના કારણે જ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહયા છે. દેશના મોટા ભાગના રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા ઉપર થઇ ગયું છે. જયારે ડીઝલ પણ ત્રણ આંકડાની નજીક જ છે.

કેન્દ્ર અને રાજય સરકારો ઓઇલ પર ૪૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ વધારે ટેક્ષ અને ઉત્પાદન શુલ્ક વસૂલે છે. ૨૦૨૦માં મહામારી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો ત્યારે સરકારે ઉત્પાદન શુલ્ક વધારીને વધારાની આવક પેદા કરી હતી. હવે વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ કોરોના પહેલાના સ્તર કરતા પણ વધી ગયા છે તેમ છતાં સરકારે ટેક્ષનો વધારો પાછો નથી ખેંચ્યો.

ઘોષે કહયું કે ઇંધણ પર ખર્ચ વધવાથી આરોગ્ય, કરિયાણું અને અન્ય સુવિધાઓના વેચાણ પર અસર પડશે એટલું જ નહીં છૂટક મોંઘવારી પણ વધવાનું જોખમ છે. એસબીઆઇ કાર્ડના વિશ્લેષકોનો દાવો છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી આ ઉત્પાદનોની માંગ સતત ઘટી રહી છે. એટલું જ નહીં ઇંધણના ભાવ ૧૦ ટકા વધે તો છૂટક મોંઘવારીમાં ૦.૫ ટકાનો વધારો થાય છે. આ જ કારણે મે અને જૂનમાં છૂટક મોંઘવારી આરબીઆઇના નકકી કરેલ ૬ ટકાથી ઉપર રહી છે.

એસબીઆઇ રીસર્ચ અનુસાર, કેન્દ્રિય સ્ટેટેકીસ કાર્યાલયે મે માં ૬.૩૦ છૂટક મોંઘવારી દર્શાવી હતી જયારે દેશના ઘણાં વિસ્તારોમાં લોકડાઉન હતું. એટલે આ આંકડો વાસ્તવિક તસ્વીર નથી દર્શાવતો અને જૂનમાં ખાદ્ય અને અખાદ્ય ઉત્પાદનોની માંગ પણ ઘટી છે. મોંઘવારી સતત વધવાથી લોકોની બચતના નાણાં પણ ખતમ થઇ રહયા છે. જૂનમાં મોટા ભાગના ક્ષેત્રોમાં માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

(10:12 am IST)