Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અફઘાનીસ્તાનમાં ખુનખરાબાનો દોર ફરી શરૂ

તાલિબાનોની હેવાનિયત : ૨૨ અફઘાન સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ તો માથા વાઢી નાખ્યા

કાબુલ તા. ૧૪ : તાલિબાનોએ અફઘાનિસ્તાનના ૮૫ ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે. જે બાદ સ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. આ દરમિયાન તાલિબાન આતંકીઓએ અફઘાનિસ્તાનના સ્પેશ્યલ ફોર્સના ૨૨ કમાન્ડોની હત્યા કરી છે. આ ઘટના ૧૬ જૂને ફરયાબ પ્રાંતના દૌલાત અબાદ શહેરમાં બની હતી. દૌલત અબાદ શહેર તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદની નજીક છે. તાલિબાની આતંકીઓએ તે સમયે મોતને ઘાટ ઉતારી દીધા જયારે તેઓ આત્મસમર્પણ કરવાની તૈયારીમાં હતા.

એક રિપોર્ટ અનુસાર રેડ ક્રોસે ૨૨ અફઘાન કમાન્ડોની લાશ મળી હોવાની પુષ્ટિ કરી છે. એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે તેમની પાસે આવા ઘણા વીડિયો છે. તમામ વીડિયોની ચકાસણી કરવામાં આવી છે અને સાક્ષીઓ સાથે પણ વાત કરવામાં આવી છે. તાલિબાનના પ્રવકતાએ કહ્યું કે તેમના કબજામાં હજી ૨૪ કમાન્ડો છે, જેમને ફરયાબ પ્રાંતમાંથી પકડવામાં આવ્યા છે. પરંતુ તેઓને મારવામાં આવ્યા નથી.

સાક્ષીઓએ જણાવ્યું હતું કે તાલિબાન આતંકીઓ સાથેની ઉગ્ર લડાઇ દરમિયાન અફઘાન કમાન્ડોઝ પાસે દારૂગોળો ખતમ થઈ ગયો હતો, જેથી તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પડી. રવિવારે અફઘાન સુરક્ષા દળોએ ગઝની શહેરમાં સુરક્ષા ચોકીઓ પર તાલિબાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો, તાલિબાને રવિવારે સવારે પીડી૩, પીડી૬, પીડી૧ અને પીડી૫માં સુરક્ષા પોસ્ટ્સ પર હુમલો કર્યો હતો. જે બાદ અફઘાન સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોએ તાલિબાન આતંકીઓને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ લડત દરમિયાન તેનો દારૂગોળો ખતમ થઈ ગયો હતો. ત્યારબાદ તાલિબાન લડવૈયાઓએ તેમને ઘેરી લીધા હતા.

જોકે, લડાઈનાં ત્રણ દિવસ બાદ તાલિબાને દૌલત અબાદમાં નરસંહારનો વીડિયો પોસ્ટ કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વોશિંગ્ટન ગાર્ડ (અફઘાન સ્પેશ્યલ ફોર્સના આ કમાન્ડો) ખાસ પ્રશિક્ષિત કમાન્ડો હતા. તેઓ ફરયાબમાં તાલિબાન આતંકીઓનો પીછો કરી રહ્યા હતા. તાલિબાન આતંકીઓએ તેને જીવતા પકડી લીધી અને મૃત્યુદંડની સજા આપી.

(10:10 am IST)