Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણીના હાથમાં

મુંબઇ એરપોર્ટ સહિત દેશના છ એરપોર્ટના મેનેજમેન્ટ માટેની બોલી અદાણી ગ્રુપે જીતી છે : ગૌતમ અદાણીએ પોતાની ટ્વિટમાં હજારો નવી સ્થાનિક રોજગારી ઉભી કરવાનું વચન આપ્યું છે

નવી દિલ્હી તા. ૧૪ : અબજપતિ બિઝનેસમેન અને દેશના બીજા સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું છે. ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.

ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું કે, 'વર્લ્ડ કલાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરી અમને ઘણી ખુશી થઈ રહી છે. મુંબઈને ગૌરવશાળી અનુભવ કરાવવાનું અમારું વચન છે અને અમે તેને પુરું કરવામાં સફળ રહીશું.'

તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'અદાણી ગ્રુપ એરપોર્ટ ઈકોસિસ્ટમને ભવિષ્યના વેપાર, સુવિધા અને મનોરંજનની દ્રષ્ટિએ વિકસિત કરશે. અમે હજારો નવી સ્થાનિક નોકરીઓ ઊભી કરીશું.'

દેશના અગ્રણી એરપોર્ટસનું મેનેજમેન્ટ પ્રાઈવેટ હાથોમાં આપવા માટે કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૧૯માં ટેન્ડર મંગાવ્યા હતા. તેમાં અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલુરૂ જેવા એરપોર્ટ સામેલ છે. ગુવાહાટી અને તિરૂવનંતપુરમ જેવા એરપોર્ટની બોલી પણ અદાણી ગ્રુપે જીતી લીધી હત. આ બધા એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી અદાણી ગ્રુપને જ મળી હતી. અદાણી પાસે આ એરપોર્ટના મેનેજમેન્ટનો ૫૦ વર્ષનો કોન્ટ્રાકટ છે.

એશિયાના બીજા નંબરના ધનવાન ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પોતાના એરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ, તેના માટે પ્રાથમિક વાતચીત ચાલી રહી છે. તે અંતર્ગત એરપોર્ટ બિઝનેસને ગ્રુપની હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડથી અલગ કરાશે. તેને યૂનિટની લિસ્ટિંગની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

(10:11 am IST)