Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

બાઈક પર જતા બે યુવાનોને વાઘે ફાડી ખાધા, એક બચ્યો

યુપીના પીલીભીત જિલ્લાની કમકમાટીભરી ઘટના : વન અધિકારીની ચેતવણીની અવગણના કરી યુવાનો ઘરે પહોંચવા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે ઘટના બની

પીલભીત, તા. ૧૩ : યુપીમાં પીલીભીત જિલ્લામાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવાનો પર વાઘે કરેલા હુમલામાં બે યુવાનોના મોત થયા બાદ ભારે દહેશતનો માહોલ છે.જ્યારે અન્ય એક યુવકે ગમે તેમ કરીને ઝાડ પર ચઢીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

વાઘના હુમલામાં બચી ગયેલા વિકાસે આખી રાત ઝાડ પર પસાર કરી હતી.સવારે તે જ્યારે ઝાડ પરથી ઉતર્યો ત્યારે તેના ચહેરા પર ભય સાફ જોઈ શકાતો હતો.તે કશું બોલવાની સ્થિતિમાં પણ નહોતો.કલાકો પછી તેણે પોતાની દાસ્તાન સંભળાવતા કહ્યુ હતુ કે, રવિવારે સવારે ૧૧ વાગ્યે હું, કંધઈ અને સોનુ એમ ત્રણ યુવાનો બાઈક પર બહાર જવા નિકળ્યા હતા.કંધઈના સાસરે થોડા સમય માટે અમે રોકાયા હતા અને સાંજે ઘરે પાછા આવવા નીકળ્યા હતા .રસ્તામાં જંગલ પાસે અમે પહોંચ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગના એક કર્મચારીએ અમને આગળ વાઘ હોવાની ચેતવણી આપી હતી.

વિકાસનુ કહેવુ છે કે, અમારે ઘરે પાછા ફરવુ હોવાથી આ ચેતવણીને અમે નજર અંદાજ કરી હતી.જોકે પંદર મિનિટ જ આગળ ગયા અ્ને અમારા હોશ ઉડી ગયા હતા.કારણકે રસ્તાના કિનારે બે વાઘ બેઠા હતા.અમે ગભરાઈને બાઈક રોકી દીધી હતી.આ જોઈને એક વાઘે અમારા પર છલાંગ લગાવી હતી.જેના પગલે અમે ત્રણે જણા પડી ગયા હતા.બાઈક સોનુ ચલાવી રહ્યો હતો અને હું સૌથી પાછળ બેઠો હતો.અમે ભાગવાનુ શરુ કર્યુ હતુ.આ દરમિયાન બીજા વાઘે મારા માથા પર પંજો માર્યો હતો પણ મેં હેલમેટ પહેરી હોવાથી બચી ગયો હતો. હું વાઘના ડરથી ભાગતો રહ્યો હતો અને આગળ એક ઝાડ પર ચઢી ગયો હતો.એટલામાં એક વાઘે સોનુ પર હુમલો કરીને તેને મારી નાંખ્યો હતો. વિકાસે આગળ કહ્યુ હતુ કે, કંધઈ પણ એક ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ વાઘે તેને પકડી લીધો હતો.દહેશતના કારણે મેં આંખો બંધ કરી દીધી હતી.મને ડર હતો કે, વાઘ મને પણ મારી નાંખશે.હું ચૂપચાપ આખી રાત જાડ પર પહેરી રહ્યો હતો.આંખ ખોલતો અને જોતો તો નીચે વાઘ મંડરાતા હતા.આખી રાત આ સિલસિલો ચાલતો રહ્યો હતો.સવારે વાઘ ગાયબ થઈ ગયા હતા.એટલામાં કેટલાક લોકો અહીંથી પસાર થયા હતા ત્યારે મેં તેમને બૂમ પાડીને રોક્યા હતા.

તેમણે હિંમત આપ્યા બાદ હું નીચે ઉતર્યો હતો અને ગમે તેમ કરીને ઘરે પહોંચ્યો હતો.હજી મને વિશ્વાસ નથી કે હું જીવતો ઘરે આવ્યો છું.

(12:00 am IST)