Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજ્યસભાની બેથી વધુ ટર્મ ન આપવા કોંગ્રેસમાં પ્રસ્તાવ

ઉદયપુરમાં કોંગ્રેસની નવ સંકલ્પ શિબિરનો બીજો દિવસ : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના બ્લોક અને જિલ્લા સ્તર પર પણ નેતાઓનો કાર્યકાળ નક્કી કરવા વિચારણા

નવી દિલ્હી, તા.૧૪ : રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની નવ સંકલ્પ ચિંતન શિબિર ચાલી રહી છે. તેમાં પાર્ટીના ઉભારને લઈને તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. શું કોઈ પણ કોંગ્રેસી નેતાને રાજ્યસભાની ૨ ટર્મ આપવી જોઈએ? આ સવાલ પર પાર્ટી હાઈકમાન્ડ દલીલ કરી રહ્યા છે. વન ફેમિલી, વન ટિકિટની સાથે જ રાજ્યસભા સદસ્યોના કાર્યકાળને લઈને પણ ચર્ચા ચાલું છે.

સીડબલ્યુસીના એક સદસ્યએ જણાવ્યું કે, હાઈકમાન્ડની પાસે આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે, કોંગ્રેસી નેતાઓને રાજ્યસભાની બે થી વધુ ટર્મ ન મળવી જોઈએ. ત્યારબાદ તેઓ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડવા માટે આગળ આવશે. પરંતુ તેમને રાજ્યસભામાં ત્રીજી વખત જવાની તક ન મળવી જોઈએ.

જિલ્લા અને બ્લોક લેવલ પર પણ કાર્યકાળ નક્કી થવો જોઈએ

બેઠકમાં એ વાતનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે, માત્ર રાજ્યસભામાં જ નહીં પરંતુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ(એઆઈસીસી)ના બ્લોક અને જિલ્લા સ્તર પર પણ નેતાઓનો કાર્યકાળ નક્કી કરવો જોઈએ. મળતી માહિતી પ્રમાણે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ નેતાઓએ પોતાનું પદ છોડી દેવું પડશે અને બીજા લીડરને તક મળવી જોઈએ. આ નેતા પાર્ટીની અંદર જ કામ કરશે અથવા કોઈ અન્ય જવાબદારી પણ નિભાવી શકે છે.

કોંગ્રેસી નેતા અજય માકને પણ આવા જ પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટીના કોઈ પણ નેતા જે કોઈ પણ પદ પર છે તેમને એક નિશ્ચિત કાર્યકાળ મળવો જોઈએ. ત્યારબાદ તેમને પદ પરથી હટાવી બીજા નેતાને તક મળવી જોઈએ.

આ સાથે જ લોકલ બોડી ઈલેક્શન દરમિયાન પાર્ટીના બધા લેવલના નેતાઓને જમીન પર કામ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત એઆઈસીસી અને જનરલ બોડીની બેઠક દર પાંચ વર્ષે બોલાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

 

(7:51 pm IST)