Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બેંગ્લોર સામે પંજાબ કિંગ્સનો 54 રનથી શાનદાર વિજય: રાબડાએ 3 વિકેટ ઝડપી

પંજાબ કિંગ્સે 210 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યું : બેંગ્લોર 9 વિકેટે 155 રન કરી શક્યુ :ઋષી ધવન અને રાહુલ ચાહરે બે-બે વિકેટ લીધી

મુંબઈ : IPL 2022 ની 60મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે 00 રને બેંગ્લોર સામે વિજય મેળવ્યો હતો. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ઓપનીંગ જોડી ટોસ હારીને ક્રિઝ પર ઉતરી હતી. શરુઆતથી જ મોટા સ્કોર માટે આક્રમક શરુઆત કરી હતી. જોની બેયરિસ્ટો અને લિવિંગ સ્ટોનની ઝડપી અડધી સદી વડે 210 રનનો લક્ષ્ય બેંગ્લોર સામે રાખ્યુ હતુ. જવાબમાં પંજાબના બોલરો સામે બેંગ્લોરના બેટ્સમેન ટકી શક્યા નહોતા. કાગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં બેંગ્લોર 9 વિકેટે 55 રન કરી શક્યુ હતુ. આમ 54 રન થી હાર થઈ હતી. આ સાથે પંજાબની આશાઓ પણ જીવંત રહી હતી.

વિરાટ કોહલી (20 રન 14 બોલ) અને ફાફ ડુ પ્લેસિસે (10 રન 8 બોલ) બેંગ્લોરની ટીમની બેટીંગની શરુઆત કરી હતી. બંનેએ પંજાબના વિશાળ લક્ષ્યને પાર પાડવાનો પાયો નાંખવાનો હતો. પરંતુ બંને તે ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીના રુપમાં બેંગ્લોરે પ્રથમ વિકેટ 33 રનના સ્કોર પર ગુમાવી હતી. જ્યારે ડુ પ્લેસિસની વિકેટ 34 રનના સ્કોર પર ગુમાવી હતી.

 

મહિપાલ લોમરોર 3 બોલમાં 6 રન કરીને ઝડપથી આઉટ થતા 40 રનમાં જ ત્રીજી વિકેટ બેંગ્લોરે ગુમાવી દેતા દબાણની સ્થિતી સર્જાઈ હતી. ત્યાર બાદ રજત પાટીદારે રમતને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. ગ્લેન મેક્સવેલ અને પાટીદારે ભાગીદારી રમત મક્કમતાથી આગળ વધારી હતી અને ટીમનો સ્કોર 100 ને પાર કરાવ્યો હતો. પરંતુ 104 રનના સ્કોર પર પાટીદાર (26 રન 21 બોલ) આઉટ થયો હતો. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા. મેક્સેવેલે 22 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. દિનેશ કાર્તિકે 11 બોલમાં 11 રન કર્યા હતા. જ્યારે શાહબાઝે 9 અને હર્ષલ પટેલે 11 રન, હસારંગાએ 1 રન નોંધાવ્યા હતા.

પંજાબના બોલરોએ એક જૂટ થઈને જીત માટેનો જુસ્સો દર્શાવ્યો હતો. કાગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઋષી ધવને 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ મેળવી હતી. જ્યારે રાહુલ ચાહરે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અર્શદીપ અને હરપ્રીતે એક એક વિકેટ ઝડપી હતી.

(12:25 am IST)