Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

દિલ્હીમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક 13268 નવા કેસ નોંધાયા: 81 લોકોના મોત

છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ચોથી લહેર મુંબઇ કરતા પણ વધારે ખતરનાક બની

નવી દિલ્હી : દેશની પાટનગર દિલ્હીમાં કોરોનાના ૨૪ કલાકમાં ૧૩૪૬૮ કેસ બહાર આવતા અત્યાર સુધીનો નવો જ વિક્રમ સર્જાયો છે. કોરોનાના અજગર ભરડામાં દિલ્હી  ફસાયું છે. એક જ દિવસમાં ૮૧ થી વધુના મુત્યુ થતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ કુલ મૃતક આંક ૧૧૪૨૬ થયો છે. દિલ્હીમાં કોરોના મહામારી શરુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૭.૫ લાખ સુધી પહોંચી છે. કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં સંક્રમણનો સપાટો બોલાવી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ચોથી લહેર મુંબઇ કરતા પણ વધારે ખતરનાક બની રહી છે.

એક દિવસ અગાઉ ૨૪ કલાકમાં સંક્રમિત દર્દીઓની સંખ્યાનો આંકડો ૧૦ હજારને પાર કરીને ૧૧૪૯૧ કેસ નોંધાયા હતા. હવે તેમાં વધુ ૨ હજાર કેસોનો વધારો થયો છે. આ સાથે જ દિલ્હીનો પોઝિટિવિટી રેટ વધીને ૧૩.૧૪ થયો છે એનો મતલબ કે ૧૦૦ ટેસ્ટિંગમાં ૧૩ થી વધુ પોઝિટિવ કેસ મળી રહયા છે. એક સમયે શિરો સર્વેમાં દિલ્હીમાં હર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ હોવાનો દાવો કરવામાં આવતો હતો પરંતુ હવે ફરી દિલ્હીવાસીઓ કોરોના સંક્રમણમાં આવી રહયા છે.

વેકિસનેશનના ડોઝ છતાં કોરોનાની નવી લહેર ધીમે ધીમે સુનામી બની રહી છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ૭૯૭૨ દર્દીઓ કોરોનાની સારવાર પછી સાજા થયા હતા. કુલ ૬૯૫૨૧૦ લોકોએ કોરોનાને હરાવ્યો છે પરંતુ સક્રિય કેસોની સંખ્યા વધતી જતી હોવાથી સાજા થવાનો દર ઘટયો છે. કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતા એકટિવ કેસોની સખ્યા ૪૩૫૬૦ સુધી પહોંચી છે જેમાંથી ૨૧૯૫૪ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

 
(12:27 am IST)