Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

અમેરિકા જેવા અમેરિકામાં પણ બીજા ધર્મમાં લગ્ન કરવામાં પડે છે મુશ્કેલી

અમેરિકામાં પણ આંતરધર્મીય લગ્નો પર વિવાદ

નવી દિલ્હી તા. ૧૪ : દરેક વેલેન્ટાઈન્સ ડે પહેલા લવ જિહાદના નારા ઉપડે છે. આપણને એમ થાય કે ભારતમાં જ બીજા ધર્મમાં લગ્ન કરવા માટે સંઘર્ષ કરવો પડે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા જેવા મોડર્ન દેશોમાં પણ બીજા ધર્મમાં લગ્ન કરવા પર હોહા મચી જાય છે. ગુજરાતના વતની અને છેલ્લા ચાર દાયકાથી યુ.એસમાં વસેલા દિલીપ અમીને ખાસ ઓનલાઈન ફોરમ શરૂ કર્યું છે. તેમાં આંતરધર્મીય લગ્ન કરનાર લોકોની સમસ્યાનો ઉકેલ આપવામાં આવે છે. તેમણે હાલમાં જ એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં ૮૧ હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, જૈન અને પારસી યુવાનોની સંઘર્ષ કથા અને લવ સ્ટોરી છે. આ બધા જ યુવાનો યુ.એસ અને ભારતના છે.

સાન ફ્રાન્સિસ્કોમાં કેન્સર રિસર્ચર તરીકે કામ કરતા અમીન જણાવે છે, 'મેં ૨૦૦૮માં કરેલા સર્વેમાં યુ.એસમાં જ જન્મેલી હિન્દુ, જૈન, શીખોની બીજી પેઢીના ૯૧૦ લગ્નોનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાંથી ૩૮ ટકા યુવાનોએ ખ્રિસ્તી, ઈસ્લામ કે યદૂદીઓમાં લગ્ન કર્યા છે.'

વ્યકિતગત અનુભવોએ અમિનને આંતરધર્મીય લગ્નો અંગે અભ્યાસ હાથ ધરવાની પ્રેરણા આપી. તેમણે છેલ્લા ૧૨ વર્ષમાં ૧૨૦૦થી વધુ લોકો સાથે વાતચીત કરી છે. તે જણાવે છે, 'રાજકીય એજન્ડા માટે પણ આંતરધર્મીય સંબંધોનો વિરોધ થતો હોય છે. તેને કારણે યુવાનો કે તેમના માતા-પિતા સમજી વિચારીને નિર્ણય નથી લઈ શકતા. મારા અનુભવના આધારે હું કહુ છું કે આવા કિસ્સામાં બંને પાત્ર વચ્ચે ચર્ચા-વિચારણાને સ્થાન, પાર્ટનરને તેનો ધર્મ પાળવાની છૂટ આપવી અને બાળકો કયો ધર્મ પાળશે તે નક્કી કરવાના પ્રશ્નો ઊભા થાય છે.' આમાંથી ઘણા અવલોકનો ભારતીય કેસોમાં લાગુ પડે છે.

અમીન જણાવે છે કે કપલ તેમની શ્રદ્ઘા અને આસ્થા અંગે પહેલેથી જ ચર્ચા કરી લે છે. તે સ્પષ્ટ કહે છે, 'જો આ મુદ્દા પર લગ્ન પહેલા ચર્ચા ન કરવામાં આવે તો સમસ્યાઓ વધુ મોટી થઈ શકે છે. આવા લગ્નોમાં ઘણા પડકારો છે પરંતુ તે સુંદર એટલા માટે છે કારણ કે તે માણસાઈ સાથે લોકોને જોડે છે. આમાં પાર્ટનરે સામી વ્યકિત પર પોતાના વિચારો થોપવાની કોશિશ ન કરવી જોઈએ. આવા સંબંધો એક સલાડ બાઉલ જેવા હોવા જોઈએ જેમા બધા જ પદાર્થો પોતાની ખાસિયત જાળવી રાખે છે.'અમીને જણાવ્યું કે, પાર્ટનરની કોઈ બીજા ધર્મમાં શ્રદ્ઘા છે તે મહત્વનું નથી, પરંતુ બંને વ્યકિતને એકબીજામાં શ્રદ્ઘા અને વિશ્વાસ હોય તે ખૂબ જ જરૂરી છે.(૨૧.૯)

(11:38 am IST)