Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભારત-અમેરિકાની લાલ આંખથી પાક. ઘુટણિયેઃ હાફીઝને માન્યો ત્રાસવાદી

મોસ્ટ વોન્ટેડ હાફીઝ સઇદને લાગ્યો સણસણતો તમાચોઃ જમાત ઉદ્દ દાવા ત્રાસવાદી સંગઠન જાહેરઃ ખાતાઓ સીલ થશે-થશે આકરી કાર્યવાહીઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ત્રાસવાદ વિરોધી કાયદામાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી આપીઃ લશ્કર એ તોઇબાને પણ ફટકો પડશે

ઇસ્લામાબાદ તા.૧૩ : અમેરિકા અને ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન હવે ત્રાસવાદી વિરૂધ્ધ આકરા પગલા લેવા માટે મજબુર બન્યુ છે. પાકિસ્તાને એક નિર્ણય લીધો છે જેનાથી મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હાફીઝ સઇદની મુશ્કેલી વધી શકે છે. પાકિસ્તાનમાં જ હાફીઝ સઇદના સંગઠન જમાત ઉદ્દ દાવાને ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન સરકારે યુનો દ્વારા પ્રતિબંધિત સંગઠન જમાત અને તોઇબા જેવા ત્રાસવાદી સંગઠનો અને ત્રાસવાદીઓ વિરૂધ્ધ સિકંજો કસવાની તૈયારી કરી છે. રાષ્ટ્રપતિ મમનુન હુસેને રાષ્ટ્રીય ત્રાસવાદ નિરોધી કાનૂનમાં ફેરફાર અંગેના વટહુકમને મંજુરી આપી છે જે હેઠળ પાક સરકાર તેઓની ઓફિસ અને ખાતાઓ બંધ કરશે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો સામે માત્ર દેખાડાની જ કાર્યવાહી કરતુ હતુ.

પાકિસ્તાનના અખબાર ધ ટ્રીબ્યુન એકસપ્રેસ અનુસાર રાષ્ટ્રીય આતંકવાદ નિરોધી ઓથોરીટીએ આની પુષ્ટી કરી છે. ગૃહ, નાણા અને વિદેશ મંત્રાલય તથા કાઉન્ટર ફાઇનાન્સીંગ ઓફ ટેરેરીઝમ વીંગ આ મામલે કામ કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીએ પણ આની પુષ્ટી કરી છે.

સરકારના આ પગલાથી અલકાયદા, તહરીક એ તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જાંગવી, જમાત ઉદ્દ દાવા, લશ્કર એ તોઇબા અને બીજા સંગઠનો પર કાર્યવાહી થઇ શકશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાને હાફીઝ સઇદના જમાત અને ફલાહ સંગઠનોને પ્રતિબંધિત કરવાની સાથે તેઓના બેંક ખાતા અને ઓફિસો બંધ કરી હતી. આ નવા આદેશથી હવે આ બધાના કાર્યાલયો અને બેંક ખાતાઓ સીલ કરવાનો અધિકાર સત્તાવાળાઓને મળશે.

અત્યાર સુધી પાકિસ્તાન જમાત જેવા સંગઠનોને આતંકી યાદીમાં રાખી કામ ચલાવતુ, કયારેક પ્રતિબંધની વાત કરતુ તો કયારેક તેના ઉપર ફંડ ન ઉઘરાવવા જણાવતુ પરંતુ હવે રાષ્ટ્રપતિના આ વટહુકમથી જમાત ઉદ્દ દાવા સત્તાવાર રીતે ત્રાસવાદી સંગઠન બની ગયુ છે. આ વટહુકમ પાછળ ભારત અને અમેરિકાનું દબાણ હોઇ શકે છે. (૩-૫)

(10:43 am IST)