Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બેન્કોમાં પડેલા 'બિનવારસી' ૮૦૦૦ કરોડના નથી કોઇ દાવેદાર

સરકાર દ્વારા KYC નિયમોમાં કરવામાં આવેલી સખ્તીને કારણે આવા ખાતાઓની સંખ્યા વધી ગઈ છે

નવી દિલ્હી તા.૧૩ : દેશની અલગ અલગ બેન્કોમાં એવા ઘણાં પૈસા પડ્યા છે જેના કોઈ દાવેદાર નથી. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, જો દરેક બેન્કમાં પડેલા આવા પૈસાનો સરવાળો કરવામાં આવે તો આ આંકડો આઠ હજાર કરોડ રુપિયાથી વધારે થઈ ગયો છે.

માનવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા KYC નિયમોમાં કરવામાં આવેલી સખ્તીને કારણે આવા ખાતાઓની સંખ્યા વધી ગઈ છે. ખાતાધારકના મૃત્યુ પછી હવે બેન્ક ત્યારેજ તેના પૈસા ઉપાડવા દે છે જયારે પૈસા માંગનાર વ્યકિત તે ખાતાધારક સાથેનો પોતાનો નજીકનો સંબંધ સાબિત કરી શકે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અલગ અલગ બેન્કોમાં ૨.૬૩ લાખ ખાતાઓમાં પડેલા ૮૮૬૪.૬ કરોડ રુપિયા માટે કોઈ દાવેદાર નથી. આ આંકડા ૨૦૧૬ સુધીના છે. ૨૦૧૨દ્મક ૨૦૧૬ સુધીમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૧૨માં આવા ખાતાઓમાં જમા પૈસા ૩૫૯૮ કરોડ રુપિયા હતા, જે ૨૦૧૬માં ૮૮૬૪ કરોડ થઈ ગયા.

RBIએ બેન્કોને કહ્યું કે, પાછલા ૧૦ વર્ષમાં જે અકાઉન્ટના કોઈ દાવેદાર સામે નથી આવ્યા તેમની યાદી તૈયાર કરીને પોતાની વેબસાઈટ પર અપલોડ કરો. અપલોડ કરવામાં આવેલી જાણકારીમાં અકાઉન્ટ હોલ્ડર્સના નામ, સરનામા પણ શામેલ હોય.

બેન્કોમાં પડેલા આવા બિનવારસી પૈસા તેમના માટે નુકસાન જ કરાવે છે, કારણકે બેન્ક તે અકાઉન્ટ પર વ્યાજ આપવાનું બંધ ન કરી શકે. પ્રાપ્ત જાણકારી અનુસાર દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ૪૭ લાખ ખાતા, કેનરા બેન્કના ૪૭ લાખ ખાતા અને પંજાબ નેશનલ બેન્કના ૨૩ લાખ ખાતાના કોઈ દાવેદાર નથી.(૨૩.૮)

(3:56 pm IST)