Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

એર ઇન્ડિયા ભાવનગરથી મુંબઇની ડેઇલી ફલાઇટ શરૂ કરશે

૨૮મીથી સેવાનો પ્રારંભ થશે

મુંબઇ તા. ૧૩ : ભાવનગરને હવે દેશના બીજા શહેરો સાથે જોડાવામાં વધુ આસાની પડશે. એર ઈન્ડિયાએ ભાવનગરથી મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અર્થાત્ અઠવાડિયાના સાતે સાત દિવસ ભાવનગર-મુંબઈ વચ્ચે ફલાઈટ શરૂ કરાશે. અત્યારે એર ઈન્ડિયા સોમથી ગુરુવાર સુધી જ ભાવનગર-મુંબઈ ફલાઈટ ચલાવે છે. ૭૨ સીટર એરક્રાફટ સાંજે ૭.૨૫ વાગે મુંબઈથી ભાવનગર લેન્ડ કરે છે અને પછી ૭.૪૫ વાગે મુંબઈ જવા ઉપડે છે.

ભાવનગરના એરપોર્ટ ડિરેકટર સુધા મુરલીએ જણાવ્યું, 'એર ઈન્ડિયાએ જાન્યુઆરી ૨૮થી મુંબઈ-ભાવનગર વચ્ચે ડેઈલી ફલાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની રિજનલ એર કનેકિટવિટી સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર ભાવનગરથી વધારે ફલાઈટ શરૂ કરશે.'

એર ઓડિશા પણ આ સ્કીમ અંતર્ગત અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરતની ફલાઈટ ૨૩ જાન્યુઆરીથી શરૂ કરવા જઈ રહ્યું છે. એર ઓડિશાના જનરલ મેનેજર સુદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'અમને આ ઓપરેશન શરૂ કરવા માટે જરૂરી પરવાનગી મળી ગઈ છે. અમારુ આયોજન મુંદ્રા, જામનગર, દીવ અને અમદાવાદ જેવા લોકેશન પર નિયમિત ફલાઈટ શરૂ કરવાનું છે. પરંતુ તેનો સમય જાન્યુઆરી ૧૫ પછી જ નક્કી કરવામાં આવશે.'

ઉલ્લેખનીય છે કે ભાવનગરના ધંધાદારીઓ અને અલંગમાં જહાજ તોડવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભાવનગરમાં એર કનેકિટવિટી વધારવાની છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરી રહ્યા હતા. અલંગ શિપ રિસાઈકલિંગ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી હર્ષ પરમારે જણાવ્યું, 'અત્યારે અમારી પાસે મુંબઈ જવા માત્ર સાંજની જ ફલાઈટ છે. અમે સવારની પણ એક ફલાઈટની માંગ કરી છે. દિવસમાં મુંબઈની કમસેકમ બે ફલાઈટ તો હોવી જ જોઈએ. અહીં ઔદ્યોગિક વિકાસને કારણે ઘણા ધંધાદારીઓ ભાવનગર અને મુંબઈ વચ્ચે ટ્રાવેલિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી અમારામાંથી મોટા ભાગના લોકોએ મુંબઈની ફલાઈટ પકડવા અમદાવાદ આવવુ પડતુ હતુ.'

ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ સુનિલ વડોદરિયાએ જમાવ્યું, 'મુંબઈ અને દિલ્હી ટ્રાવેલ કરવું અમારા માટે માથાનો દુઃખાવો બની ગયુ છે. અમને અમારો બિઝનેસ વધારવા માટે દિવસની ઓછામાં ઓછી બે ફલાઈટની જરૂર છે. અમને પ્રતિસ્પર્ધા પણ જોઈએ છે કારણ કે અમારે અમદાવાદ અને વડોદરાની સરખામણીએ ફલાઈટ પાછળ ઘણા વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે.'

આ માટે ગુરુવારે ભાવનગરમાં એરપોર્ટ એડવાઈઝરી કમિટીની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં સ્થાનિક સાંસદ ભારતી શિયાળ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત હતા. ધંધાદારીઓ ઉપરાંત આ એર કનેકિટવિટીનો ફાયદો જૈન સમાજના લોકોને પણ થશે કારણ કે ભાવનગર નજીક આવેલા પાલિતાણામાં મોટી સંખ્યામાં જૈનો દર્શન કરવા આવે છે.

ભાવનગરની મુંબઈ સાથે રેલ કનેકિટવિટી પણ નબળી છે. ભાવનગર-મુંબઈનો રોજની માત્ર એક જ ટ્રેન છે. અલંગનો વિકાસ કરવા માટે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) સાથે કરાર થયા છે ત્યારે ભાવનગર-મુંબઈ વચ્ચેની ફલાઈટ ખૂબ જ મહત્વની બની રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ JICAની ટીમો અને પર્યાવરણવિદો અવારનવાર કામગીરી રિવ્યુ કરવા અલંગની મુલાકાતે આવે છે.

(11:51 am IST)