Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બેઠા હશો ટ્રેનમાં લાગશે વિમાન

સૌથી પહેલા શતાબ્દી એકસપ્રેસમાં જોડાશે આવો એક સ્પેશ્યલ કોચઃ એમાં હશે વર્લ્ડ કલાસ ઈન્ટીરિયર, ડિઝાઈનર સીટસ, એલસીડી સ્ક્રીન, મોડયુલર ટોઈલેટસની સુવિધા અને જાતે ખૂલતા તથા બંધ થતા ઓટોમેટિક ડોર

બુલેટ ટ્રેનની અનુભૂતિઃ લકઝુરીયસ અને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતો તેમ જ બુલેટ ટ્રેનની ફીલ કરાવતો અનુભૂતિ કોચ મુંબઈ સેન્ટ્રલના યાર્ડમાં પહોંચ્યો હતો. અમદાવાદ જવા માટે તૈયાર આ કોચનું ઈન્ટીરિયર પ્લેન જેવુ છે અને એની સીટો પણ પ્લેન જેવી જ આરામદાયક છે.

મુંબઈ, તા. ૧૩ :. વેસ્ટર્ન રેલ્વેમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એકસપ્રેસમાં વહેલી તકે ભારતીય રેલ્વેનો સૌથી આરામદાયક 'અનુભૂતિ કોચ' જોડવામાં આવશે. આ કોચની ખાસિયત એ છે કે એ ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં પણ એ એડજસ્ટ થઈ શકે છે અને એમાં પ્લેન જેવી સુવિધા છે.

આ કોચ મુંબઈ આવી ગયો છે અને એ મુંબઈ સેન્ટ્રલના ડેપોમાં છે. આઈસીએફ એ આ કોચ તૈયાર કર્યો છે. અનુભૂતિના એક કોચમાં ૫૬ સીટો છે. આ કોચની જાહેરાત બજેટમાં થઈ હતી અને એનું ભાડુ એ.સી. ફર્સ્ટ કલાસ કરતા થોડુ વધારે હશે.

આ કોચની સૌ પ્રથમ ટ્રાયલ ચંડીગઢ શતાબ્દીમાં થઈ હતી. એ પછી જયપુર શતાબ્દીમાં એ કોચ જોડવામાં આવ્યો હતો. ધીરે ધીરે દરેક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં એ કોચ જોડવામાં આવશે. એ પછી મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં પણ અનુભૂતિ કોચ જોડવાની યોજના છે.(૨-૫)

(11:59 am IST)