Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગુજરાતનો વિકાસ દેખાડવા મોદીએ આટલુ મોટું જોખમ લઇ લીધુ

ઇતિહાસમાં નોંધાશે આ ઉડાનઃ વડાપ્રધાનને સિકયોરીટીને લગતી આ બાબતો અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે તેને નજરઅંદાજ કરી હતી

મુંબઈ, નવી દિલ્હી તા. ૧૩ : તેમના ૪૨ મહિનાના કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ અનેક VVIP ફલાઈટમાં ઉડાન ભર્યુ હશે પરંતુ તેમણે સી પ્લેનમાં સાબરમતી નદીથી ધરોઈ ડેમમાં કરેલી ૧૮૦ કિ.મીની ઉડાન VVIP ઉડાનના ઈતિહાસમાં હંમેશા માટે નોંધાઈ જવાની છે. આ સાથે જ મોદી દેશના એવા સર્વપ્રથમ વડાપ્રધાન બની ગયા છે જેમણે ફોરેન પાઈલટ્સ દ્વારા અમેરિકન રજિસ્ટર્ડ એરક્રાફટમાં ઉડના ભરી હોય.

જો કે વડાપ્રધાન મોદીએ કોડિઆક ૧૦૦ સી પ્લેનનો ઉપયોગ કર્યો તેમાં તેમની સુરક્ષા અંગે અનેક સવાલો ખડા થયા હતા. આ એરક્રાફટમાં એક જ એન્જિન હોય છે. એનો મતલબ એ થયો કે જો એન્જિન ફેઈલ થયુ કે પક્ષી અથડાયુ તો એવામાં એરક્રાફટ બચવાના ચાન્સ બહુ ઓછા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનને સિકયોરિટીને લગતી આ બાબતો અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે તેને નજરઅંદાજ કરી હતી.

જો કે વડાપ્રધાનની સિકયોરિટી સંભાળતા સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની સિકયોરિટીનું ધ્યાન રાખતા સ્પેશિયલ પ્રોટેકશન ગૃપે એ વાત પર ખાસ ધ્યાન આપ્યું કે આ કંટ્રોલ્ડ ફલાઈટ હતી, સી પ્લેન ઘણી નીચી ઊંચાઈએ ઉડતુ હતુ અને તેના પાઈલટ્સને ૩૦ વર્ષથી વધુનો અનુભવ હતો.

ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) એર સેફટી સરકયુલર ૨ જણાવે છે કે VVIPને લઈ જવા માટે બે એન્જિન ધરાવતુ એરક્રાફટ હોવુ જોઈએ અને તે સારી રીતે કામ કરતુ હોવુ જોઈએ અને વ્યવસ્થિત મેઈન્ટેઈન થયેલુ હોવુ જોઈએ. ઓફિશિયલ ટ્રિપ્સમાં વડાપ્રધાન મોદી એર ફોર્સ અથવા તો એર ઈન્ડિયાના વિમાનમાં સફર કરે છે. વડાપ્રધાન મોદી ઓફિશિયલ ન હોય તેવા કામ માટે પણ ટ્રાવેલ કરતા હોય તો તેમણે ટ્વીન એન્જિન પ્લેનનો જ ઉપયોગ કરવો પડે છે.

એક એરક્રાફટના ચાર્ટર ઓપરેટર જણાવે છે, 'વડાપ્રધાન મોદીએ તેમની પોલિટિકલ પાર્ટી તરફથી ફંકશનમાં હાજરી પૂરાવી હતી અને સી પ્લેનની ટૂર તેમની ઓફિશિયલ ટૂર ન ગણાય આમ છતાંય બે એન્જિન વાળા એરક્રાફટનો ઉપયોગ કરવાનો નિયમ તો લાગુ પડે જ છે.' સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીએ જે સી પ્લેનમાં સફર કરી તેમાં કોઈ ગ્રાઉન્ડ બેઝ કે નેવિગેશન માટેની મદદ ઉપલબ્ધ નહતી. વળી VVIP માટે એક કરતા વધુ એન્જિન ધરાવતુ એરક્રાફટ હોવુ ફરજિયાત છે.

જો કે કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ વડાપ્રધાનના નિર્ણયને ટેકો આપતા જણાવ્યું, 'વડાપ્રધાન ઈચ્છે તે રીતે ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે. અમારા માટે એ ગર્વની વાત છે કે તેમણે સી પ્લેનનો ટ્રાયલ રન લેવાનું પસંદ કર્યું.'(૨૧.૧૦)

(11:57 am IST)