Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પહેલો તબક્કો સરળ પણ બીજા તબક્કામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ

કોંગ્રેસ માટે પડકારોઃ પાર્ટીની અંદર અંદર સમસ્યાઃ ગઠબંધનનું ભારણઃ જિજ્ઞેશ મેવાણીને કારણે નારાજગીઃ આદિવાસી વોટને અસર

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતની ચૂંટણીના બીજા અને અંતિમ ચરણમાં આવતીકાલે ૯૨ વિધાનસભા સીટો પર મતદાન થશે. કોંગ્રેસ માટે આ ચરણ ઘણો મુશ્કેલી વાળો રહેશે. પાર્ટી પર વિવિધ પાર્ટીઓ સાથે ગઠબંધનનો બોજ છે. કમસેકમ ૧ સીટ પર બળવાખોર ઉમેદવારો આ તબક્કામાં ચૂંટણી લડશે. આ ઉપરાંત ભાજપની આદિવાસી વોટબેન્ક પર નજર પણ કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પ્રથમ ચરણમાં કોંગ્રેસ આશ્વસ્ત જોવા મળી રહી હતી પરંતુ બીજા તબક્કામાં કોંગ્રેસનો રસ્તો આસાન નથી.

બીજા ચરણના મતદાનમાં ૩૨ સીટો ધરાવતુ ઉત્તર ગુજરાત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે. ૨૦૧૨ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૨માંથી ૧૭ સીટો જીતી હતી. આ વખતે જો કે પાર્ટીને આંતરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૨ સીટ પર ઓછામાં ઓછા ૧૬ બળવાખોર ઉમેદવારો કોંગ્રેસ વિરૂદ્ઘ મેદાનમાં છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર બનાસકાંઠામાં છે. અહીં કોંગ્રેસે નવમાંથી પાંચ સીટ પર બળવાખોર ઉમેદવારોનો સામનો કરવાનો છે. ગત ચૂંટણીમાં ઘણી સીટો પર કોંગ્રેસ ૧૦૦૦ અથવા તેનાથી ઓછા વોટના અંતરથી જીતી હતી. આ ધ્યાનમાં રાખતા આ વખતની ચૂંટણી કટોકટીભરી હોઈ શકે છે.

કોંગ્રેસની અંદર એવુ માનવામાં આવે છે કે પાર્ટી ભાવ-તાલ કરવામાં મજબૂત નથી. આથી જ ઘણા દળ સાથે ગઠબંધન કરવામાં પાર્ટીએ મોટી કિંમત ચૂકવી છે. કોંગ્રેસની પોતાની સીટો ઓછી થઈ જાય છે. છોટુભાઈ વસાવાની ટ્રાઈબલ પાર્ટીને સાત સીટ આપ્યા પછી સવાલ ઊઠ્યો કે જીડીયુથી છૂટા પડેલા પક્ષને આટલી બધી સીટો આપવાની શું જરૂર હતી. સીટોના વિભાજનને લઈને થતી ચર્ચામાં શામેલ કોંગ્રેસી નેતાએ જણાવ્યું, 'અમે સારો ભાવતાલ કરી શકત. વસાવાનો પ્રભાવ છે પણ પોતાના વિસ્તારની બહાર નહિ. અહીં સાત સીટ આપવાની કોઈ જરૂર નહતી.'

વડગામ કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ પાર્ટી આ ક્ષેત્રમાં ચળવળકારમાંથી નેતા બનેલા જિજ્ઞેશ મેવાણીને ટેકો આપી રહી છે જે અપક્ષ ઉમેદવાર છે. આ કારણે પાર્ટીમાં નારાજગી છે. વડગામમાં કોંગ્રેસના બે બળવાખોર નેતાઓ મેદાને છે.

કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત ૨૭ સીટ છે. કોંગ્રેસની ચિંતા ભાજપની નવી રણનીતિને કારણે છે. છેલ્લા બે વર્ષમાં ભાજપે વીએચપી અને આરએસએસના માધ્યમથી પૂર્વ ગુજરાતમાં આદિવાસીઓ વચ્ચે મજબૂત સંબંધો બનાવ્યા છે. વીએચપી દ્વારા ચલાવાતા એકલ વિદ્યાલયોમાં વિઘાર્થીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે.

આ સ્કૂલ આદિવાસી બાળકોની સારી શિક્ષા, રહેઠાણ, યુનિફોર્મ તથા ભોજન માટે કામ કરે છે. ભાજપે સંઘ પ્રચારકોના માધ્યમથી પણ આદિવાસી ક્ષેત્રોમાં સંપર્ક વધાર્યો છે. કોંગ્રેસ પાસે અત્યારે ૨૭ આરક્ષિત સીટોમાંથી ૧૬ સીટ છે. પાર્ટી પોતાના ૪૫ ટકા વોટ શેરને જાળવી રાખવા પ્રયત્ન કરી રહી.(૨૧.૮)

(10:38 am IST)