Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ક્રુડ અઢી વર્ષની ઊંચાઇએઃ પેટ્રોલ - મોંઘા થવાના એંધાણ

જુન ૨૦૧૫ બાદ પહેલીવાર ક્રુડનો ભાવ ૬૫ ડોલર થઇ ગયો

નવી દિલ્હી તા. ૧૩ : જુન ૨૦૧૫ પછી મંગળવારે પહેલીવાર કાચા તેલની કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચી છે. પેટ્રોલિયમ એકસપોર્ટ કરતાં દેશના સંગઠન (OPEC)એ પહેલાથી ઉત્પાદનમાં કપાત કરી રાખી છે. આ દરમિયાન યુકેની સૌથી મોટી નોર્થ સી ઓઇલ પાઇપલાઇન અચાનક જ બંધ કરવામાં આવી હતી. જેની સીધી અસર તેલની કિંમતો પર પડી છે. આ સમયે તેલની કિંમત ૩૦ મહિનાના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી છે.

એક રિપોર્ટ મુજબ નોર્થ સી પાઇપલાઇન આશરે ૩ અઠવાડિયા સુધી બંધ રહેશે. ગેસની કિંમતો પણ ૫.૮% વધી છે. નિયમિત તપાસ દરમિયાન પાઇપમાં તિરાડ હોવાની વાત સામે આવી હતી. જેથી આ નિર્ણય લેવો પડ્યો હતો. આ પાઇપલાઇન સિસ્ટમ (Forties oil pipeline) દુનિયાભરમાં તેલની કિંમતને નક્કી કરે છે. પહેલા એવું નક્કી થયું હતું કે ડિસેમ્બરમાં રોજ ૪૦૬,૦૦૦ બેરલ્સ તેલ પંપ કરવામાં આવશે પરંતુ સોમવારે ઠપ્પ થયું હતું.

ટ્રેડર્સનું કહેવું છે કે ગત વર્ષો કરતાં આ વર્ષે અચાનક જ આવી સ્થિતિ સામે આવી છે. બ્રેન્ટ ક્રૂડ (ગ્લોબલ બેન્ચમાર્ક) વધીને ૬૫.૫૯ ડોલર પર પહોંચ્યો છે. US ક્રૂડ પણ વધીને ૫૮.૪૮ ડોલર પર પહોંચ્યો છે.

FXTMના એક વિશ્લેષક હુસૈન સઇદે જણાવ્યું છે કે આ રીતના રિએકશનથી સ્પષ્ટ છે કે તેલની આયાતમાં જે બાધા આવી રહી છે તેને વધારે સમય સુધી નજરઅંદાજ ના કરી શકાય. ફોર્ટીઝ પાઇપલાઇન વૈશ્વિક ઓઇલ માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે જે ક્રૂડ ઓઇલ આવે છે તેનાથી જ કિંમત નક્કી થાય છે. જાણકારોનું કહેવું છે કે હવે ઓઇલ આવવામાં ખૂબ મોડું થઇ શકે છે.

(10:37 am IST)