Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

IPOનું લિસ્ટીંગ હવે ૪ દિ'માં ?

મુંબઇ તા.૧૩ : સેબી આઇપીઓના લિસ્ટીંગની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવાની યોજના ધરાવે છે. સેબીના ચેરમેન અજય ત્યાગીના જણાવ્યા અનુસાર આઇપીઓના લિસ્ટીંગનો સમય હાલના ૬ દિવસથી ઘટાડી ૪ દિવસ કરવાની તૈયારી ચાલી રહી છે. અગાઉ સેબીએ આઇપીઓના લિસ્ટીંગનો સમય સાત દિવસ ઘટાડી છ દિવસ કર્યો હતો. આ ગાળામાં રોકાણકારનાં નાણા બ્લોક થઇ જાય છે.

સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યુ હતુ કે, અમે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અમે લિસ્ટીંગના સમયમાં વધુ ઘટાડો કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જેના ભાગરૂપે ઇસ્યુ બંધ થયા પછી એકસચેન્જ પર લિસ્ટીંગનો સમય ૬માંથી ઘટાડી ૪ દિવસ કરવાની યોજના છે.

તેમણે કહ્યુ હતુ કે, ચાલુ વર્ષે આઇપીઓ દ્વારા એકત્ર ભંડોળનો આંકડો અગાઉના છ વર્ષ કરતા પણ વધારે છે. ત્યાગીએ જણાવ્યુ હતુ કે, સરકારની વિવિધ પોલીસી આર્થિક સુધારાની આગેકુચ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારાને કારણે માહોલ સાનુકુળ બન્યો છે. નોટબંધી, નીચા વ્યાજદર અને મ્યુ.ફંડસ અંગે જાગૃતિ વધવાથી માંગમાં વધારો થયો છે. જયારે સારા પબ્લીક ઇસ્યુની પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રીથી સપ્લાય ચાલુ રહ્યો છે. હાલના તબક્કે સેબી પાસે ૮૬ ઇસ્યુની અરજી છે. જેમાં ૬૬ પર સેબીએ આખરી મંજુરી આપી છે અને ર૦ પેન્ડીંગ છે.(૩-ર)

(9:58 am IST)