Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુશાંતસિંહ રાજપૂત કેસઃ ન્‍યાયની માંગ સાથે યુકેમાં કાર રેલી યોજાઇઃ બહેન શ્વેતાસિંહ કિર્તીએ સોશ્‍યલ મીડિયા ઉપર વીડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે દરરોજ સુશાંત સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરે છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સુશાંતના ફેન્સ ન્યાયની માગ કરી રહ્યાં છે. હાલમાં સુશાંતના ફેન્સે યૂકેમાં કાર રેલીનું આયોજન કર્યું અને તેના વીડિયો શ્વેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.

યૂકેની કાર રેલીનો વીડિયો શેર કરતા શ્વેતાએ લખ્યું, 'યૂકેની કાર રેલી SSR વોરિયર્સ વચ્ચે એકતા દેખાડે છે. અમને સીબીઆઈ પર વિશ્વાસ છે અને અમારી તપાસ એજન્સીઓ દ્વારા સત્ય સામે લાવવાની રાહ જોઈ રહ્યાં છીએ.' મહત્વનું છે કે શ્વેતા સતત સીબીઆઈ તપાસની માગ કરતી રહી છે અને હવે સીબીઆઈના હાથમાં કેસ ગયા બાદ તે એજન્સી પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

શ્વેતાએ શેર કરેલા એક વીડિયોમાં કાર રેલીમાં ભાગ લેનાર લોકો 'જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત'ના નારા લગાવી રહ્યા છે. જ્યારે એક અન્ય વીડિયોમાં લંડનમાં આયોજીત કાર રેલી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે સુશાંતના કેસની તપાસ સીબીઆઈ સિવાય ઈડી અને એનસીબી પણ કરી રહી છે. એનસીબીએ ડ્રગ્સ ખરીદવા અને રાખવાના આરોપમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પણ કરી હતી પરંતુ મુંબઈ હાઈકોર્ટમાંથી તેને જામીન મળી ગયા છે. સુશાંત કેસમાં એમ્સની ફોરેન્સિક ટીમે પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે જેમાં હત્યાની સંભાવનાથી ઈનકાર કરવામાં આવ્યો છે. હવે જોવાનું છે કે સીબીઆઈ કેસની તપાસ કઈ દિશામાં કરે છે.

(4:40 pm IST)