Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અફઘાન સાથે ભારતની ઐતિહાસિક મિત્રતા:ગંભીર માનવીય સંકટ વચ્ચે ભારત સાથ નહીં છોડે : વિદેશમંત્રીનું મોટું નિવેદન

આંતરરાષ્ટ્રીય સમુદાયે ત્યાં એક સારું વાતાવરણ બનાવવા માટે સાથે આવવું જોઈએ

નવી દિલ્હી : ભારતે કહ્યું કે ગંભીર માનવીય સંકટ વચ્ચે પહેલાની જેમ અફઘાન સાથે ઉભો રહેશે. અફઘાનિસ્તાન સાથે ભારતની મિત્રતા એ ઐતિહાસિક છે એવું વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું. તેમણે વધમાં કહ્યું કે અફઘાનિસ્તાન એક મહત્વપૂર્ણ અને પડકારજનક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ત્યાં એક સારું વાતાવરણ બનાવવા માટે સાથે આવવું જોઈએ.

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેમના સંક્ષિપ્ત ડિજિટલ સંબોધનમાં, વિદેશ મંત્રીએ ગરીબીના વધતા સ્તરના ભય પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તે પ્રાદેશિક સ્થિરતા માટે વિનાશક અસરો કરી શકે છે. તેમણે કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનના ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાને સતત ટેકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન તરફ ભારતનો અભિગમ હંમેશા તેના લોકો સાથેની આપણી ઐતિહાસિક મિત્રતા દ્વારા માર્ગદર્શન આપતો રહ્યો છે અને રહેશે.

વિદેશ મંત્રીએ કહ્યું કે એકવાર રાહત સામગ્રી અફઘાનિસ્તાન સુધી પહોંચ્યા પછી, વિશ્વ સ્વાભાવિક રીતે અફઘાન સમાજના તમામ વર્ગોને માનવતાવાદી સહાયના ભેદભાવ વગરના વિતરણની અપેક્ષા રાખશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની રાજકીય, આર્થિક, સામાજિક અને સુરક્ષા પરિસ્થિતિમાં વિશાળ ફેરફાર જોવા મળ્યો છે અને પરિણામે માનવ જરૂરિયાતોમાં પણ ફેરફાર જોવા મળ્યા છે.

(12:31 am IST)