Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગાંધી કુટુંબના નજીકના નેતા ઓસ્કર ફર્નાન્ડીઝનું નિધન

યોગ કરતા સમયે ઈજા બાદ તબિયત લથડી હતી : ૧૯૮૦માં કર્ણાટકના ઉડપ્પી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ૧૯૯૬ સુધી સતત જીતતા રહ્યા

મેંગ્લુરુ, તા.૧૩ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાંડિઝનું નિધન થયું છે. કર્ણાટકના મેંગ્લુરુમાં ઓસ્કર ફર્નાંડિઝે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કર ફર્નાંડિઝ ગાંધી પરિવારના નજીકના નેતા માનવામાં આવે છે.

૮૦ વર્ષના ઓસ્કર ફર્નાંડિઝ લાંબા સમયથી બીમાર હતા અને કેટલાક અઠવાડિયાથી તેમને મેંગ્લુરુના હોસ્પિટલમાં દાખલ હતા. વર્ષે યોગ કરતા સમયે તેમને ઇજા પણ થઈ હતી, ત્યારબાદથી તેમની તબિયત લથડી હતી.

ઓસ્કર ફર્નાંડિઝની ગણતરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થતી હતી. તેઓ યુપીએ સરકારમાં માર્ગ-પરિવહન મંત્રી રહી ચુક્યા હતા. અત્યારે પણ ઓસ્કર ફર્નાંડિઝ રાજ્યસભાના સાંસદ હતા.

યુપીએ સરકારના બંને કાર્યકાળમાં મંત્રી રહી ચુકેલા ઓસ્કર ફર્નાંડિઝ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા હતા. રાજીવ ગાંધીના તેઓ સંસદિય સચિવ રહી ચુક્યા છે.

વર્ષ ૧૯૮૦માં કર્ણાટકના ઉડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા, ત્યારબાદ ૧૯૯૬ સુધી તેઓ સતત જીતતા રહ્યા. વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા, ત્યારથી તેઓ રાજ્યસભાના સભ્ય છે.

(7:39 pm IST)