Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પેગાસસ જાસૂસી કાંડ : રાષ્ટ્રના હિતમાં સોગંદનામું દાખલ કરવાનો કેન્દ્ર સરકારનો ઇન્કાર : જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે પેનલની રચના કરવા માટે સંમત છીએ : રાષ્ટ્રના હિતને વર્તમાન સુનાવણી સાથે નિસ્બત નથી : અમે જાણવા ઇચ્છીએ છીએ કે દેશના અગ્રણીઓના ફોન ટેપ કરાયા હતા કે નહીં : તેમના પ્રાઇવસી અધિકારોનો ભંગ કરાયો છે કે કેમ તે જણાવો : SITની રચના અથવા ન્યાયિક તપાસ કરાવવા અંગે સુપ્રીમ કોર્ટ ટુંક સમયમાં નિર્ણય લેશે

ન્યુદિલ્હી : પેગાસસ જાસૂસી કાંડ મામલે આજરોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકારે રાષ્ટ્રના હિતમાં સોગંદનામું દાખલ કરવાનો કર્યો હતો.તથા જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે પેનલની રચના કરવા સંમતિ દર્શાવી હતી.

ચીફ જસ્ટિસ એન.એ.રમનાના અધ્યક્ષ પદ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતને વર્તમાન સુનાવણી સાથે નિસ્બત નથી .અમે જાણવા ઇચ્છીએ છીએ કે દેશના અગ્રણીઓના ફોન ટેપ કરાયા હતા કે નહીં .તેમના પ્રાઇવસી અધિકારોનો ભંગ કરાયો છે કે કેમ તે જણાવો .

આ અંગે આગામી બે થી ત્રણ દિવસોમાં SITની રચના અથવા ન્યાયિક તપાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમનાએ આકરૂ વલણ અપનાવ્યુ. તેમણે કહ્યુ કે કોર્ટ જાણવા ઈચ્છે છે કે આખરે સરકાર આ મુદ્દે શુ કરી રહી છે. જોકે અગાઉની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સોગંદનામુ દાખલ કરવા માટે બે વખત સમય લીધો હતો પરંતુ હવે તેમને સ્પષ્ટ રીતે ઇન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે પેગાસસ એક સ્પાયવેર છે. જે જાસૂસી અથવા સર્વેલન્સ માટે વપરાતું સોફ્ટવેર છે. એના દ્વારા ફોન હેક કરી શકાય છે. હેક થયા બાદ ફોનનો કેમેરો, માઇક, મેસેજ અને કોલ સહિતની તમામ માહિતી હેકર્સને પહોંચી જાય છે.

આ સ્પાયવેર ઇઝરાયેલની કંપની NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે.જેના દ્વારા 10 દેશોમાં 50 હજાર લોકોની જાસૂસી કરવામાં આવી છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં 300 નામ સામે આવ્યા છે, જેમના ફોનની જાસૂસી કરવામાં આવી. તેમાં સરકારમાં સામેલ મંત્રીઓ, વિપક્ષના નેતા, પત્રકાર, વકીલ, જજ, ઉદ્યોગપતિ, અધિકારીઓએ, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)