Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદના પગલે રાજકોટ અને જામનગર માટે ઍનડીઆરઍફની ૫ ટીમો તૈનાત કરાશેઃ ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં બેઠક

બચાવ અને રાહત કામગીરીને પ્રાથમિકતા આપવા નવનિયુક્ત મુખ્યમંત્રીનો આદેશ

ગાંધીનગર: ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે શપથ લે તે પહેલાં જ સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોવાથી પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. જેથી શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એન ડી આર એફની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.

રાજકોટમાં 1155 લોકો જે આજી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.

ભૂપેન્દ્ર પટેલે એન.ડી. આર એફની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી.

તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.

મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ.એસ. ડી. ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.

(5:11 pm IST)